સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જૂન 2018 (12:04 IST)

સીએમ રૂપાણીનો વિદેશ પ્રવાસ, પ્રથમવાર ઈઝરાયેલની મુલાકાત લેશે

ગુજરાતનાં મુખ્યમંત્રી રૂપાણી ૨૬મી જૂનનાં રોજ ઇઝરાયેલ જવા રવાના થશે. જયાં તેઓ ઇઝરાયેલની પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ધતિની જાણકારી લઇને તેનો અમલ ગુજરાતમાં કરાવશે. જેથી ખેતી-શાકભાજીનું મહત્તમ ઉત્પાદન થાય અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય. ઇઝરાયેલમાં ખેતીવાડી, સિંચાઇની સુવિધા તેમજ સલામતિ વ્યવસ્થા કેવી છે તેની જાણકારી લેશે. ત્યારબાદ ગુજરાત માટે જે ફાયદાકારક અને સરળ હશે તેવી ઇઝરાયેલની ટેકનોલોજીનો ગુજરાતમાં ઉપયોગ કરાશે. આ ઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાનો પ્રોજેક્ટ, ગટરનાં ગંદા પાણીને કઈ રીતે પીવા લાયક બનાવવામાં આવે છે તે બાબતનો પણ અભ્યાસ કરાશે. ઇઝરાયેલ અન્ય વિવિધ ઇનોવેશનમાં પણ ઘણું આગળ છે, ગુજરાતમાં ઇઝરાયેલનાં કેવા પ્રકારનાં ઇનોવેશન લાવી શકાય છે તેની વિચારણા કરી તેનો તુરંત અમલ કરાશે. મુખ્યમંત્રી પોતાની ટીમ સાથે ૨૬મી જૂને ઇઝરાયેલનો પ્રવાસ શરૃ કરશે અને ૧લી જુલાઈએ ગુજરાત પરત આવવા માટે રવાના થશે. ઉપરાંત મુખ્યમંત્રી ઇઝરાયેલમાં વસતા ગુજરાતી આગેવાનો તેમજ ભારતનાં અગ્રણીઓ સાથે સંવાદ કરશે. તેઓ કોઇ જાહેરસભા સંબોધવાના નથી. પરંતુ ભારતીય લોકોને ગુજરાતમાં અત્યારે કેટલો અને કઇ રીતે વિકાસ થઇ રહ્યો છે તેની જાણકારી આપશે.સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ ખાસ વિમાનમાં જ વિદેશ પ્રવાસ યોજતાં હોય છે. તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓને પણ પોતાની સાથે લઇ જતા હોય છે. પરંતુ મુખ્યમંત્રી રૃપાણીએ ખાસ વિમાનને બદલે એર ઇન્ડિયાના વિમાનમાં જ ઇઝરાયેલ જવાનું અને તેમા જ પરત આવવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રીની ટીમમાં સીએમઓમાં ફરજ બજાવતા અગ્ર સચિવ અશ્વિનીકુમાર, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર, કૃષિ સચિવ સંજય પ્રસાદ, પાણી-અગ્ર સચિવ જે. પી. ગુપ્તા, ગુજરાત એગ્રોના એમડી, એગ્રીકલ્ચર- હોર્ટીકલ્ચરના ડાયરેકટર અને દિલ્હીનાં રેસીડેન્સ કમિશનર જોડાશે.