શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (11:23 IST)

અમદાવાદમાં બાળકો ઉઠાવી જવાની શંકામાં મહિલાઓને લોકોએ ધીબી નાંખી, એકનું મોત

બાળકોને ઉઠાવવી જતી મહિલાઓના વાઈરલ થયેલા મેસેજ બાદ મંગળવારે વાડજ વિસ્તારમાં 1000થી વધુ લોકોના ટોળાએ ભીખ માંગી રહેલી કેટલીક મહિલાઓને માર માર્યો હતો. જેમાં 45 વર્ષીય એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ શાંતાદેવી તરીકે થઈ છે જે મેલડી માતાના છાપરા, સરદારનગર ખાતે રહેતી હતી. પોલીસે જણાવ્યું કે આ મહિલા તેની અન્ય ત્રણ સાથીઓ સાથે ભીખ માંગવા માટે વાડજ વિસ્તારમાં આવી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ છોકરા ઉપાડી જતી ગેંગ હોવાની શંકા રાખી તેમના પર હુમલો કર્યો અને લાકડીઓ વડે માર માર્યો હતો. વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એ. રાઠવાએ જણાવ્યું કે આ મહિલા તેના સમુદાય સાથે છેલ્લા પંદર વર્ષથી સરદારનગરમાં રહેતી હતી. ભીખ માંગીને પોતાનું ગુજરાન ચાલવતી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ‘મંગળવારે સાંજે જ્યારે આ મહિલાઓ ભીખ માંગવા માટે વાડજ વિસ્તારમાં આવી હતી. તે સમયે બાળકો ઉપાડી જવાની અફવાએ જોર પકડ્યું. જેથી આ મહિલાઓ ત્યાંથી રીક્ષામાં બેસીને જઈ રહી હતી તે સમયે પાંચથી છ લોકો દોડી આવ્યા અને તેમને માર મારવા લાગ્યા. આ ઘટના બાદ વધુ લોકો એકઠા થઈ ગયા અને રીક્ષા પર પણ હુમલો કર્યો હતો.’થોડા સમયમાં 500થી 700 લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને ચારેય મહિલાઓને માર મારવા લાગ્યા. જેમાંથી કેટલાકે તો મહિલાઓના વાળ ખેંચી તેમને ઈજા પહોંચાડી હતી. લાકડીઓને ધોકા વડે માર મારતા ચારે મહિલાને ઈજા પહોંચી. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી ટોળાને વિખેર્યું હતું. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ શાંતાદેવીને મૃત જાહેર કરી. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.