શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જૂન 2018 (17:13 IST)

ગુજરાતમાં લોકસરકાર રચવાની જાહેરાત

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આજરોજ રાજ્યમાં લોકસરકાર રચવાની જાહેરાત કરી છે. 

ધાનાણીએ લોક સરકાર અંગે માહિતી આપતાં જણાવ્યું કે, લોક સરકાર એટલે લોકો વતી, લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકારના કાન સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા લોકો પ્રત્યે સરકારની જવાબદારી નક્કી કરવા, સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા, સરકારી યોજના સરળતાથી લોકો સુધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને પહોંચાડવાનો છે.
આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર એવા લોકોની સદંતર અવગણના થઈ રહી છે. 'લોક સરકાર'નો ઉદ્દેશ લોકશાહી પરંપરાને વધુ મજબુત બનાવી સમાજને સશક્ત બનાવવાનો છે.

ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં આજે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સામાન્ય લોકો પાસે સરકારના અલગ-અલગ વિભાગાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. પોતાની સમસ્યાની કયા વિભાગને રજૂઆત કે ફરિયાદ કરવી તેની પૂરતી સમજ નથી. પરિણામે સામાન્ય માણસ સરકારી વિભાગો વચ્ચે આંટાફેરા કરવા મજબુર બની ગયો છે. લોકોએ ચૂંટેલી પોતાની કહેવાતી સરકારના બહેરા કાને પ્રજાની સમસ્યા અથડાતી નથી. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની ગઈ છે. પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાવાઈ રહ્યો છે. લોકો જેમ તેમ કરીને સરકારી તંત્રમાં પોતાની ફરિયાદ દાખલ કરવામાં સફળ થાય તો પણ આ ફરિયાદનું શું થયું અને ફરિયાદનો નિકાલ કેટલા સમયમાં થશે તેની કોઈ જાણકારી નથી.
આ પરિસ્થિતિમાં હાલના સરકારી માળખામાં લોક સમસ્યાને વાચા આપવા અને લોકોની રજૂઆતોને સરકાર સુધી વિરોધ પક્ષના નેતા 'લોક સરકાર' (WWW.LOKSARKAR.IN)ના માધ્યમથી પહોંચાડશે.

લોક સરકાર વેબસાઈટની લાક્ષણિકતાઓ

૧ . ફરિયાદ
લોક સરકારમાં તમામ વિભાગોની લોકોની ફરિયાદ/રજૂઆત સ્વીકારવામાં આવશે. લોકો કેન્દ્ર કક્ષા, રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા, તાલુકા કક્ષાની ફરિયાદ/ રજૂઆત આ વિભાગમાં કરી શકશે. આ વિભાગમાં ફોર્મ ભર્યા પછી લોકોને પોતાની ફરિયાદ/રજૂઆત નંબર મળશે અને તે નંબર પરથી ભવિષ્યમાં ફરિયાદ/રજૂઆતને આપ ટ્રેકિંગ પણ કરી શકશે. લોકોએ કરેલી ફરિયાદ/રજૂઆતમાં તેમણે જે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી આપ્યુંક હશે તેની પર SMS અને EMAIL દ્વારા તેમનો ફરિયાદ નંબર મળશે. આ ઉપરાત આ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીને મોકલવામાં આવશે તેની નકલ પણ ફરીયાદ/રજુઆત કરનારને મળશે.
૨. નોંધણી
લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને યોગ્ય રીતે વાચા આપીને તેનો ઉકેલ લાવવાનો છે. તેથી આમાં વધુમાં વધુ લોકો જોડાય અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનો લોક સરકારનો ઉદ્દેશ છે. તેથી લોક સરકારમાં વધુમાં વધુ લોકો નોંધણી કરે તે માટે અલગ અલગ કેટેગરી પણ રાખવામાં આવી છે.

•    લોકસેવક નોંધણી
લોક સરકારની લોકસેવક નોંધણીમાં કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ તેમાં સહયોગ આપી શકશે, તેમ જ લોકોની સમસ્યાને વાચા આપવા માટે મદદરૂપ થઈ શકશે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા લોકો તે વિસ્તારના પ્રતિનિધિ બનીને પણ તેમાં જોડાઈ શકશે તેમજ તેમણે આપેલી સમસ્યાઓને યોગ્ય કક્ષાએ પહોંચાડીને તેના નિરાકરણના તમામ પ્રયાસો કરવામાં આવશે
•    પ્રચાર સમિતિ નોંધણી
લોક સરકારની પ્રચાર સમિતિમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા લોકો નોંધણી કરાવી શકશે. જેના આધારે તેમને લોક સરકારની પ્રવૃતિના પ્રચાર- પ્રસારની માહિતી આપવામાં આવશે. જેથી જે તે વિસ્તારમાં પ્રચાર-પ્રસારની માહિતી અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકશે.
•    મીડિયા નોંધણી
લોક સરકાર થઈ રહેલી કાર્યની માહિતી માટે મીડિયા નોંધણી પણ આવકાર્ય છે. જેમાં નોંધણી દ્વારા લોક સરકારમાં થઈ રહેલી તમામ માહિતી મીડિયા સુધી પહોંચાડવામાં આવશે. તેમજ લોક સરકાર સબંધી કોઈ પણ પ્રશ્નોનો જવાબ પણ આપવામાં આવશે. મીડિયા માટે પણ રાષ્ટ્રીય, રાજ્ય, જીલ્લા અને ઝોનલ કક્ષાનું અલગ-અલગ પ્રકારનું નોંધણી કરવામાં આવશે. જેના માધ્યમથી લોક સરકારની માહિતી તેમના સુધી પહોંચી શકે. આ સંવાદ દ્રિપક્ષીય હશે જેમાં મીડિયા સવાલ પણ પૂછી શકશે અને તેનો જવાબ પણ આપવામાં આવશે. 
•    RTI નોંધણી
લોક સરકારમાં જોડાવા માટે તમામ પ્રકારના લોકો આવકાર્ય છે. જેમાં હાલમાં પણ લોકોના પ્રશ્નોને ઉજાગર કરતા RTI કાર્યકતાઓ આવકાર્ય છે. તે પણ લોક સરકારના માધ્યમથી તેમને મળેલી માહિતી લોકો સુધી પહોંચાડીને લોક સમસ્યા હલ કરવામાં મદદરૂપ બની શકો છો.
•    NGO નોંધણી
NGOનો ઉદ્દેશ પણ લોકસેવાનો છે તેમજ લોક સરકારનો ઉદ્દેશ પણ લોકસેવાનો જ છે. તેવા સમયે NGO લોક સરકારમાં ભાગીદાર બની શકે છે. જેમાં લોકપ્રશ્નો સાથે કામ કરી રહેલી NGO પણ નોંધણી કરી શકે છે. તેમજ એકબીજાના પુરક પણ બની શકે છે. 
•    રીસર્ચ ટીમ નોંધણી
લોક સરકારમાં લોક પ્રશ્નોના રીસર્ચ સાથે જોડાયેલા લોકો પણ આવકાર્ય છે. તેમણે કરેલા રીસર્ચને અમારી સુધી પહોંચાડીને પણ ભાગીદારી નોંધાવી શકે છે. આ ઉપરાંત તમારી પાસે રહેલી કોઈ પણ લોક ઉપયોગી માહિતી જેના માધ્યમથી લોક પ્રશ્નો ઉકેલી શકાય તે પણ આવકાર્ય છે. 
•    વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકોની નોંધણી 
લોક સરકારમાં વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો પણ તેમનું નોંધણી કરાવી શકશે. જેવા કે કડિયા, મિસ્ત્રી, પ્લમબર, દરજી, સહિતના અનેક વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકો નોંધણી કરાવી શકશે. જેના થકી લોકોને તેમની માહિતી મળશે અને આ કૌશલ્ય ધરાવતા લોકોને રોજગારી પણ પ્રાપ્ત થશે. 
૩. માહિતી 
લોક સરકારના આ વિભાગમાં લોકોને સમય-સમય પર ઉપયોગી એવી સરકારી અને જીવન ઉપયોગી વિભાગોની તમામ માહિતી પણ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ શકશે. 
•    રાજ્ય, જીલ્લા, તાલુકા કક્ષાના તમામ સરકારી અધિકારીઓના નામ-નંબરની માહિતી
•    સરકારી યોજનાઓની માહિતી અને તેના ફોર્મ 
•    ગુજરાતના તમામ એસ.ટી બસ ડેપોના નંબરની માહિતી
•    ગુજરાતના તમામ પોસ્ટ ઓફીસના સરનામાંની માહિતી 
•    સિટીઝન ચાર્ટર 
•    ગુજરાતના તમામ રેલ્વે સેવાની માહિતી 
•    ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનની માહિતી 
•    ગુજરાતની તમામ સરકારી બેંકોની માહિતી 
•    ગુજરાતની તમામ RTO કચેરીની માહિતી
•    ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલની માહિતી 
•    ગુજરાતના તમામ ફાયર સ્ટેશન માહિતી
•    ગુજરાતની તમામ સરકારી શાળાઓ માહિતી
•    ગુજરાતના ફરવા લાયક સ્થળોની માહિતી
•    એરલાઈનની માહિતી
•    ગુજરાતની તમામ યુનિવર્સીટીની માહિતી
•    ગુજરાતના તમામ સર્કીટ હાઉસની માહિતી
•    ગુજરાતના તમામ ATM ની માહિતી
•    ગુજરાતના તમામ જીલ્લા કોર્ટ માહિતી
૪ . સુવિધા 
લોક સરકારમાં આ ઉપરાંત નાગરિકો માટે ઉપયોગી એવી તમામ સુવિધા જેવી કે, એસ.ટી, ટીકીટ બુકિંગ, રેલ્વે ટીકીટ બુકિંગ, એર લાઈન બુકિંગ, હોટલ બુકિંગ, ટેક્સી બુકિંગ, સિનેમા બુકિંગ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી તમામ રોજબરોજની જરૂરિયાતની ઉપયોગી તમામ માહિતી એક જ સ્થળેથી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 
૫. સમાચાર
લોક સરકારમાં થતી રોજબરોજની કામગીરી, મળતી ફરિયાદો અને તેના નિકાલ કે અટકાવની માહિતી રજીસ્ટર કરવામાં આવેલા રાષ્ટ્રીય, રાજય, જીલ્લા અને ઝોનલ મીડિયા સુધી પહોંચી શકે તે માટે મીડિયા બુલેટીન પણ બહાર પાડવામાં આવશે. આ સંવાદ દ્રિપક્ષીય હશે જેમાં મીડિયા સવાલ પણ પૂછી શકશે અને તેનો જવાબ પણ આપવામાં આવશે.
૬. પ્રતિસાદ
લોક સરકારનો આધાર જનતા છે. તેથી જનતાનો સાદ સૌથી અગત્યનો છે. આ વિભાગમાં લોકો પોતાની સમસ્યા રજુ કરી શકશે. તેમજ પોતાની સમસ્યા આધારિત પોલ કરી લોકોનો અભિપ્રાય પણ જાણી શકાશે. આ ઉપરાંત લોકો સમસ્યાની પીટીશન પણ મૂકી શકશે. 
૭. સૂચનો
લોક સરકારની સમગ્ર પ્રક્રિયા અંગે લોકોનો અભિપ્રાય પણ આવકાર્ય છે. જેમાં લોકો આ પદ્ધતિમાં સુધારા અને તેને લગતા જરૂરી સૂચનો પણ આપી શકશે. જેના થકી જ લોક સરકારની કાર્ય પદ્ધતિમાં સુધારા વધારા કરવામાં આવશે. 
લોક સરકારનો મુખ્ય ઉદ્દેશ લોક સમસ્યાને વાચા આપીને તેનું સમાધાન લાવવાનો છે. જેની માટે સરકારના વહીવટીતંત્ર સામે જ લોકોને તેમની ફરિયાદ અને સમસ્યા સરકાર સુધી પહોચાડવાનો એક વિકલ્પ આપવાનો છે. તેમજ જવાબદાર વિકલ્પના માધ્યમથી સરકારને પણ જવાબદાર બનાવવાનો છે. 
જેના ભાગરૂપે લોક સરકારના આગામી તબક્કામાં લોક સરકાર મંત્રી મંડળની પણ રચના કરવામાં આવશે. લોક સરકારના મંત્રી મંડળમાં લોકો તરફથી આવેલી લોક સમસ્યાઓની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાકી રહેલી લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરવામાં આવશે. તેમજ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. 
લોક સરકારના માધ્યમથી લોક સમસ્યાને વાચા આપીને તેના ઉકેલની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. જો કે આ પ્રયત્નો દ્વારા પણ સરકારની કામગીરીમાં અને લોક સમસ્યાના સમાધાનમાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે અને રાજ્યની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. લોક પ્રશ્નોને વાચા આપવા માટે લોક સરકાર રાજ્ય સરકાર સાથે બાથ ભીડશે અને ઝડપથી લોક પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેશે.