પ્રદેશ નેતાઓના આંતરિક જૂથવાદથી પ્રભારી થાક્યાં, રાજીવ સાતવે કોંગ્રેસ પ્રભારીપદેથી મુક્ત કરવા હાઇકમાન્ડને રજૂઆત કરી

Last Modified ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:13 IST)
લોકસભાની ચૂંટણી વખતે જ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે.પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ટાંટિયાખેંચથી કંટાળી ખુદ રાજીવ સાતવે જ હાઇકમાન્ડને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદેથી મુક્ત કરવા વિનંતી કરી છે. આ જોતાં હવે પ્રદેશ કોંગ્રેસમાં નવા પ્રભારીની નિયુક્તિ થાય તેવી સંભાવના છે.
ગુજરાત કોંગ્રેસમાં હાલમાં એટલો કકળાટ જામ્યો છેકે,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલી સામે પણ ખાનગી બેઠકોનો દોર શરુ થયો છે. રાહુલ ગાંધીએ યુવા નેતાઓને સંગઠન-વિધાનસભા વિપક્ષના નેતા તરીકે બાગડોર સોંપતા સિનિયર નેતાઓને ગમ્યુ નથી. આ તરફ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ કે,જે ખુદ વિધાનસભાની ચૂંટણી હારી ચૂક્યા છે તે સંગઠનને મજબૂત કરવાના દાવા કરી રહ્યાં છે. આવા ઘણાં નેતાઓ છે કે,જેઓ સાથે કાર્યકરો જોડાયેલા જ નથી.સિનિયર નેતાઓની એવી દશા છેકે,તેઓનુ પ્રજા-કાર્યકરો સાથે કનેક્શન રહ્યુ નથી.આ પરિસ્થિતીમાં જૂથવાદ વકરતાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ હારીથાકી ચૂક્યાં છે તેમણે રાહુલ ગાંધીને વિનવણી કરી છેકે,આ જૂથવાદની પરિસ્થિતીમાં લોકસભાની ચૂંટણીમાં ધાર્યુ પરિણામ મળી શકે નહીં.આ કારણોસર તેઓએ પ્રદેશ પ્રભારીપદ છોડી દેવા તૈયારી દર્શાવી છે.
કોંગ્રેસમાં દરેક કાર્યકરને નેતા બનવુ છે.દરેકને હોદ્દો જોઇએ છે પણ પક્ષ-સંગઠન માટે કામ કરવુ નથી. આ નીતિને કારણે કોંગ્રેસમાં જૂથવાદ ઘર કરી ગયો છે.જસદણ પેટાચૂંટણીમાં હાર બાદ હોદ્દેદારોની કામગીરીની સમિક્ષા કરાશે ત્યારબાદ સેક્રેટરી,જનરલ સેક્રેટરી કક્ષાએ ફેરફારો થવાના એંધાણ છે. માત્ર લાગવગથી હોદ્દો મેળવનારાંઓને ઘર ભેગા કરાશે જયારે કામ કરનારાઓને સંગઠનમાં કામ કરવાની તક સાંપડશે.


આ પણ વાંચો :