ST કર્મચારીઓ લડી લેવાના મૂડમાં વડોદરામાં અર્ધનગ્ન થઇને વિરોધ કર્યો,
સાતમા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઇને એસ.ટી. નિગમના વડોદરા ડીવીઝનના 1800 જેટલા કર્મચારીઓએ આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી છે. એસ.ટી.ના કર્મચારીઓએ આજે વડોદરા બસ ડેપો ખાતે અર્ધ નગ્ન હાલતમાં દેખાવો યોજ્યા હતા. વડોદરા બસ ડેપો ખાતે કર્મચારીઓ જમીન પર બેસી ગયા હતા. તો કેટલાક કર્મચારીઓએ બસ પર ચડીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યાં હતા. અને જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. એસ.ટી. કર્મચારીની હડતાળને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં મુસાફરો અટવાઇ ગયા હતા. લોકોએ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી. અને ખાનગી વાહન ચાલકો બે દિવસથી મનફાવે તેવા ભાડા વસુલી રહ્યા છે. જેને કારણે જનતા હેરાન-પરેશાન થઇ ગઇ છે.