શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (14:30 IST)

ગુજરાત સરકારે પ્રજાના પેટ્રોલ-ડીઝલ અને સીએનજી ગેસના ટેક્સ પેટે 26 હજાર કરોડ ખંખેર્યાં

રાજયમાં પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને સીએનજી-પીએનજી ઉપર જંગી વેરા-સેસના કારણે છેલ્લા બે વર્ષમાં કુલ ૨૬,૪૪૦ કરોડ રૂપિયાની આ‌વક થવા પામી છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪૭૦૩.૫૧ કરોડ રૂપિયા અને ૨૦૧૮માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના સમયગાળામાં ૧૧૭૩૬.૫૮ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. 
કોંગ્રેસના વજેસિંગ પણદાએ રાજયમાં વિવિધ ઇંધણ ઉપર વેરા અને તેના થકી સરકારને થયેલી આવક અંગે પૂછેલા એક સવાલના લેખિત જવાબમાં નાણા વિભાગ દ્વારા જણાવાયું છે કે પેટ્રોલ પર ૧૭ ટકા વેટ અને ૪ ટકા સેસ, ડીઝલ પર ૧૭ ટકા વેટ અને ૪ ટકા સેસ, સીએનજી પર ૧૫ ટકા વેટ તેમજ પીએનજી પર ૧૫ ટકા વેટ નાખવામાં આવેલો છે. 
સરકારને ૨૦૧૭-૧૮માં સીએસટી સાથે વેટની પેટ્રોલ પરની આવક ૩૩૩૮.૩૪ કરોડ અને ૬૫૨.૮૬ કરોડ સેસની આવક જ્યારે ડીઝલ ઉપર સીએસટી સાથે વેટની ૭૪૩૦.૫૦ કરોડ અને સેસ પેટે ૧૪૫૩.૧૩ કરોડની આ‌વક થવા પામી હતી. સીએનજી પર વેટ પેટે ૪૯૯.૯૧ કરોડ અને પીએનજીમાં ૧૩૨૮.૭૭ કરોડની આ‌વક થવા પામી હતી. 
એપ્રિલ ૨૦૧૮થી ડિસેમ્બર-૨૦૧૮ સુધી પેટ્રોલ પર સીએસટી સાથે વેટની આ‌વક ૨૭૨૯.૬૩ કરોડ અને સેસ પેટે ૫૮૨.૦૭ કરોડ તથા ડીઝલમાં ૬૨૬૧.૦૨ કરોડ  અને સેસ પેટે ૧૦૯૫ કરોડની આવક સરકારને થવા પામી છે. વેટ પેટે સીએનજીમાં આ સમયગાળામાં ૩૦૦.૨૭ કરોડ અને પીએનજીમાં ૫૬૮.૦૨ કરોડની આવક થ‌વા પામી છે. 
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા લાંબા સમયથી ભારે વધારો થયા બાદ તાજેતરમાં આંશિક રાહત મળી છે. જો કે કારમી મોંઘવારીમાં લોકો દ્વારા અવારનવાર પેટ્રોલ-ડીઝલ દૈનિક વપરાશ માટે અનિવાર્ય જરૂરિયાત હોઇ વેરાનો દર ઘટાડવા માટે રજૂઆતો કરાય છે.