બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (13:49 IST)

એસ.ટીના હજારો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા, સીએમ રૂપાણીએ કામ પર પરત ફરવા વિનંતી કરી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૪૫ હજાર જેટલા કર્મચારીઓ એક સાથે માસ સીએલ ઉપર ઉતરી ગયા છે. બુધવાર મધ્યરાત્રીથી કર્મચારીઓ કામથી અગળા રહેવાનો સંકલ્પ કરતા નિગમની આશરે આઠ હજાર બસોના પૈડા થંભી ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજુર મહાજન), ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ (ઈન્ટુક) અને ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ (B.M.S) સંયુક્ત રીતે કર્મચારીઓને માસ સીએલ ઉપર ઉતરી જવા આહ્વાન કર્યું છે. કર્મચારી સંગઠનના આગેવાન ધીરેન્દ્રસિંહે આ બાબતે જણાવ્યું કે, નિગમની બસોમાં દર રોજ આશરે ૨૫ લાખ મુસાફરો મુસાફરી કરે છે. સરકારની જડનીતિના કારણે મુસાફરો માટે મુશ્કેલી સર્જાવાની છે. છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ ૧૪૪ આવેદનપત્ર લખી રજૂઆત કરી ચૂક્યા છીએ. તેમ છતા સરકારના અધિકારી-મંત્રીઓના પેટનું પાણી હલતુ નથી.
એસ.ટી. નિગમના કર્મચારીઓ પોતાની માંગને લઈ મક્કમ છે. સરકાર તરફથી કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે, એક પણ કર્મચારીને માસ સીએલ ઉપર જવાની ઈચ્છા નથી, પણ સરકારે કર્મચારીઓને આમ કરવા મજબુર કર્યા છે. જનરલ મેનેજર પાસે કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ લાવવાની કોઈ સત્તા નથી. આવા અધિકારીઓને કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરવા સરકાર મોકલે છે. જેનો કોઈ મતલબ સરતો નથી. જેની પાસે સત્તા છે તે કોઈ પણ સામે આવતા નથી.  સાતમું પગાર પંચ લાગુ કરવા સહિતની પડતર માંગણીઓના મામલે હડતાળ પર ઉતરેલા એસટી કર્મચારીઓને કામ પર પાછા આવી જવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિનંતી કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ચર્ચા કરીને તમામ પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે.

એસ.ટી.નિગમના ત્રણેય માન્ય યુનિયનો દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા-પ્રદર્શનો યોજાઇ રહ્યા હતાં. છતાંય સરકારે તેમની માંગણીઓનો સ્વીકાર ન કરતા તેમણે  બુધવાર રાત્રે 12 કલાકથી સામુહિક રીતે માસ સીએલ પર ઉતરી હડતાળ પર ગયા છે. હડતાળના કારણે એસ.ટી.બસોનું સંચાલન ખોરવાઇ ગયું છે અને હજારો મુસાફરોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ હડતાળ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, 'સાતમુ પગાર પંચ તેમની મુખ્ય માંગણી છે, સરકારનો નિયમ છે કે જે નિગમ નફો કરતાં હોય તે ચોક્કસ સાતમું પગાર પંચ આપે. મારી વિનંતી છે કે તેઓ આવો વ્યવહાર ન કરે. બેસીને યોગ્ય સમયે આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. આ અંગે સરકાર વિચારણા કરશે.