શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 જૂન 2018 (12:24 IST)

કોંગ્રેસનો વિરોધ વ્યાજબી છે પણ રસ્તે ફેંકેલું દૂધ ગરીબોનું પેટ ભરી શકે છે.

દેશભરમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ટેકાના ભાવ નહીં મળતાં ખેડૂતો સરકારથી નારાજ થયાં છે. દેશની સાથે ગુજરાતમાં પણ ખેડૂતો ટેકાના ભાવે ખરીદી નહીં કરતી સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે અને દૂધ શાકભાજી રસ્તા પર ફેંકીને આંદોલન કરી રહ્યાં છે. તેમની સાથે કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે અને સરકાર સામે સુત્રોચ્ચાર કરી રહ્યાં છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. આજે મોરબી રોડ પર આવેલા બેડી ગામ પાસે ખેડૂતો એકઠા થયા હતા અને દૂધ-શાકભાજી રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવ્યો હતો. જો કે, ચક્કાજામનો પ્રયાસ કરતા 10થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે આવું આંદોલન રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અમુક ગામડાઓમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યું છે.
ભાજપ સરકાર ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ નથી આપતી તેવા રોષ સાથે ખેડૂતો સાથે કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરી આવી હતી. કોંગ્રેસ અને ખેડૂતોએ રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી એવું દર્શાવ્યું હતું કે, આની કોઇ ઉપજ નથી તો ફેંકી દેવું સારુ, ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરી વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. કોંગ્રેસના કાર્યકરોની આ હરકતથી લોકોમાં એક નવી ચર્ચાએ સ્થાન લીધું છે કે જો કોંગ્રેસને વિરોધ કરવો છે તો તે સારી બાબત છે પણ રાજ્યમાં લાખો ગરીબો છે જે રોજ દૂધ અને અનાજ વિના દિવસો પસાર કરી રહ્યાં છે. ત્યારે આ દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકવાની જગ્યાએ કોઈ ગરીબના પેટમાં નાંખ્યું હોત તો એ કુદરતને પણ પસંદ આવત.