ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 માર્ચ 2017 (13:01 IST)

ગુજરાત વિઘાનસભા આગામી સમયમાં ભંગ થાય તેવી શક્યતાઓ - કોંગ્રેસ

ગુજરાતમાં સમય કરતાં વહેલાં વિધાનસભા ચૂંટણી થવાની અટકળોને ફરી એક વખત બળ મળી રહ્યું છે. ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે રાજ્યની ભાજપા સરકાર વિધાનસભાને ભંગ કરીને સમય કરતાં વહેલાં ચૂંટણી યોજી શકે છે. સોલંકીએ શુક્રવારના રોજ કહ્યું કે ભાજપા 31મી માર્ચના રોજ વિધાનસભા ભંગ કરી શકે છે અને મે કે જૂનમાં રાજ્યમાં ચૂંટણી આવી શકે છે. સોલંકીએ કહ્યું, ‘રાજ્યમાં મે કે જૂન મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકવાની પ્રબળ શકયતા છે.

કૉંગ્રેસ પણ તેના માટે કમર કસી ચૂકયું છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સોમવારથી શરૂ થઇ જશે. રાજ્યની પ્રજા ભાજપા સરકારથી જલ્દીથી છૂટકારો ઇચ્છે છે.’ આપને જણાવી દઇએ કે યુપી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ એવી અટકળો લાગી રહી છે કે ભાજપા ગુજરાતમાં સમય કરતાં પહેલાં વિધાનસભાની ચૂંટણી કરાવી શકે છે. જો કે ભાજપા સત્તાવાર રીતે આ સંભાવનાને નકારી રહ્યું છે, પરંતુ પાર્ટીના સૂત્રો કહી રહ્યાં છે કે આ વાતનો ઇન્કાર કરી શકાય નહીં. ભાજપાએ ‘યુપીમાં 325, ગુજરાતમાં 150’નું સૂત્ર પણ આપી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટમાં ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. સોલંકીએ સાથો સાથ એ પણ જાહેરાત કરી કે કૉંગ્રેસ જે ઉમેદવાર છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં 20,000 મતોથી હાર્યું છે તેમને ટિકિટ નહીં આપે. તેમણે કહ્યું કે ટિકિટ વહેંચણીમાં યુવાનો અને મહિલાઓને વધુ મહત્વ અપાશે. અમે દરેક જિલ્લામાં એક મહિલા ઉમેદવાર ઉભા રાખવાની યોજના બનાવી રહ્યાં છીએ. કૉંગ્રેસ રાજ્યમાં 5 મોટા ક્ષેત્રોમાં 5 મોટી રેલીઓ આયોજીત કરશે. સોલંકીએ કહ્યું કે રાજ્યમાં સ્કૂલ, કૉલેજની પરીક્ષાઓ, અને પંચાયત ચૂંટણીઓના લીધે પાર્ટીએ 2 એપ્રિલના રોજ શરૂ થનાર ટ્રાઇબલ યાત્રાને સ્થગિત કરી દીધા છે. પાર્ટી 5 મોટા આદિવાસી વિસ્તારોમાં હવે રેલી કરશે. તેમાં કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ બોલાવાશે. બીજીબાજુ રાજ્ય ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ કૉંગ્રેસ પર હતાશાનો આરોપ લગાવતા કહ્યું કે વિધાનસભાની ચૂંટણી યોજવા માટે એક નક્કી કરેલી પ્રક્રિયા હોય છે.