વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ , જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં રૂ.3813 કરોડની ખોટ
આજે વિધાનસભા ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂ.3813 કરોડની ખોટ કરી. જ્યારે 50 એકમોએ રૂ 5113 કરોડનો નફો કર્યો. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા કેગની ટકોરકરી છે. મહત્વનું છે કે આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. ખોટ કરતાં મુખ્ય ઉપક્રમોમાં GSPCએ (ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) રૂ.1564 કરોડની ખોટ કરી છે. સરદાર સરોવર નિગમે રૂ 1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂ 617 કરોડની ખોટ, GSRTCએ રૂ. 264 કરોડની ખોટ કરી છે. ઉપરાંત ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂ 137 કરોડની ખોટ કરી છે.માર્ચ 2018ના અંતે માર્ગ મકાન અને નર્મદા વિભાગની 96 યોજનાઓ અધૂરી છે. રૂ 4278 કરોડની યોજનાઓ અધૂરી હોવાની કેગે ટિપણી કરી અને રાજ્ય સરકારે આ મામલે ઝડપથી કામ પૂર્ણ કરવા જોઈએ તેવી ટકોર પણ કરી હતી. 2017-18 દરમિયાન 1,82,971 કરોડ રૂપિયાની જોગવાઈ સામે 161063 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. 21908 કરોડ રૂપિયાની રકમ વપરાઇ નથી. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કૃષિ સહકાર, શિક્ષણ, વન પર્યાવરણ, આરોગ્ય, નર્મદા, પંચાયત અને માર્ગ મકાન આ વિભાગોએ વધારાના ખર્ચ કર્યા હતા. ખોટના કારણે રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમને કુલ રૂ 22,431 કરોડનું નુકસાન થયું છે.રાજ્ય સરકારે ગેરરીતિ નુકસાન અને ઉચપતના 14.40 કરોડની સંડોવાયેલી રકમ અંગેનાં 157 કેસોમાં માર્ચ 2018 સુધી નિર્ણાયક પગલાં લીધા નથી. રાજકોષીય જવાબદારીઓમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્ષ 2017-18માં 5.44 ટકાનાં દરે વધી. રાજ્યની ચડત રાજકોષીય જવાબદારીઓમાં 2013-14માં 183057 કરોડ રૂપિયા હતી તે 9.01 ટકાનાં સરેરાશ વાર્ષિક દરે વધીને 256366 કરોડ રૂપિયા થઇ હતી.