શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (11:06 IST)

દરિયાઇ કાંઠાની સઘન સુરક્ષા માટે ૨૨ મરીન પોલીસ સ્ટેશન સહિત મરીન ટાસ્ક ફોર્સ તૈનાત

ગાંધીનગર: ગુજરાતની ૧૬૦૦ કિ.મી. જેટલી લાંબી દરિયાઇ સીમાની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકાર કોઇ કચાશ રાખવા માગતી નથી. દરિયા કાંઠાની સલામતીને અગ્રતા આપીને મરીન પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મીઓની ઘટ અગાઉ ૨૬ ટકા જેટલી હતી તે હવે માત્ર એક ટકા જેટલી રહી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગુજરાતની દરિયાઇ સીમાઓની સલામતી અને સુરક્ષા અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી. જેટલો વિશાળ દરિયા કિનારો ધરાવે છે. તેથી તેની સુરક્ષા ખૂબ મહત્વની છે. દરિયાઇ સીમાનું સતત પેટ્રોલીંગ કરવા માટે કાર્યરત ૨૨ જેટલા મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓની સંખ્યામાં વધારો કરી, દરિયાઇ સરહદોની સુરક્ષાને અગ્રતા આપવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મરીન પોલીસ સ્ટેશન ઉપરાંત મરીન ટાસ્ક ફોર્સ નામનું અલાયદું તંત્ર ઉભુ કરવામાં આવ્યું છે. આ ફોર્સમાં દરિયામાં તરવાની સ્કીલ ધરાવનાર યુવાનોની ૧,૧૩૩ જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ ફોર્સને ડી.જી.પી. – ATSના સુપરવિઝન હેઠળ કાર્યરત કરવામાં આવ્યું છે. તેમાં ૦૩ એસ.પી. અને ૦૯ જેટલા ડી.વાય. એસ.પી.ની પણ નિમણૂંક કરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સમાં કમાન્ડો ફોર્સ પણ ઉભી કરવામાં આવી છે, જે જમીન અને જળ એમ બન્ને સ્તરે કાર્યવાહી કરી શકે છે. 

આ કમાન્ડોને પોરબંદર, ચિલ્કા અને કોચી ખાતે એડવાન્સ તાલીમ આપવામાં આવે છે. હાલના વડા પ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની દરિયાઇ સીમાની સલામતી અને સુરક્ષાની ચિંતા સેવીને દેશમાં પ્રથમ એવી નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસીંગનું વડુ મથક ગુજરાતને ફાળવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ એકેડમી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ખાતે ૧૦૦ એકર જમીન ફાળવવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું કે, દરિયાઇ વિસ્તારમાં આવેલા ૧૪૪ જેટલા ટાપુઓ પૈકી માનવ વસવાટ સહિતના ૬ જેટલા ટાપુઓ અને તે સિવાયના માનવ રહિત ટાપુઓની પણ સુરક્ષાની બાબતમાં કોઇ કચાશ ન રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખાસ અગ્રતા આપી ચાલુ વર્ષના બજેટમાં પણ આ માટે ખાસ ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા માટે ૩૦ જેટલી ઇન્ટરસેપ્શન બોટની ફાળવણી કરવામાં આવી છે.