1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (16:59 IST)

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેનું વિધેયક સળગાવ્યું

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે બરતરફ કરાયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આવતીકાલે વિધાનસભામાં રજૂ થનારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગેનું વિધેયક વિધાનસભા પરિસરમાં જ સળગાવ્યું છે. મેવાણીએ આજે મીડિયા સમક્ષ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટીની રચના અંગેના વિધેયકની નકલને સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
બિલ સળગાવતી વખતે જીગ્નેશે કહ્યું કે, આ બિલને સળગાવીને હું મારો વિરોધ પ્રદર્શિત કરું છું. ગુજરાતના અનુસુચિત જાતિ અને જનજાતિના દલિત- આદિવાસી ધારાસભ્યોને અપીલ કરું છું કે અનુસુચિત જનજાતિના 27 અને દલિત સમાજના 13 ધારાસભ્યો છે. આ તમામ ધારાસભ્યો સાથે મળી આ બિલનો વિરોધ કરે, પોતાનો રોષ પ્રગટ કરે. કોઇપણ સંજોગોમાં આ બિલ રોકાવું જોઇએ. ગુજરાતમાં આદિવાસી સમાજને તેમના બંધારણીય અધિકારો મળતા નથી અને બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યું છે એટલા માટે બિલની કોપી સળગાવું છું.
મેવાણીએ આગળ જણાવ્યું હતું કે આવતીકાલે ગૃહમાં રજુ થનારું આ બિલ કોઈપણ સંજોગોમાં રોકાવું જોઈએ કારણ કે આજે પણ આદીવાસી સમાજના હક્કોનું હનન થઈ રહ્યું છે. એટલું જ નહીં ગુજરાતમાં આજે પણ આદીવાસીઓને બંધારણીય હક્કો મળતા જ નથી. જો આવતીકાલે આ બિલ પસાર થશે તો આદીવાસી લોકો તેમના ધંધા-રોજગાર કરી શકશે નહીં.
મેવાણીએ વધુમાં ઉમેર્યું કે, આવતીકાલે રજૂ થનારા આ બિલ સમયે હું ગૃહમાં ઉપસ્થિત રહી શકું તેમ નથી, તેમ કહી બિલ સળગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સંકુલમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. નોંધનીય છે કે ગઈકાલે સંવિધાન દિવસની ચર્ચા દરમિયાન અયોગ્ય વાણી-વર્તનને કારણે વિધાનસભા અધ્યક્ષે સમગ્ર સત્ર દરમિયાન એટલે કે ત્રણ દિવસ સુધી તેમને સસ્પેન્ડ કર્યા છે. જેથી તે આવતીકાલે રજૂ થનારા આ બિલમાં તેઓ ઉપસ્થિત રહી શકશે નહીં.