મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 20 ઑગસ્ટ 2021 (12:29 IST)

ભરાડીયાના પ્રગતિશીલ ખેડૂત ખેતી અને નર્સરી પ્રવૃત્તિ થકી બન્યાં આત્મનિર્ભર, NHB ડ્રેગન ફ્રુટમાં નોંધણી કરાવનાર નર્સરી દેશમાં સૌ પ્રથમ

પ્રગતિશીલ ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતાં હોય છે. તેમની આધુનિક ખેતી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડે છે. ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ભરાડીયા ગામના જયેશભાઇ નાથુભાઇ પટેલ અને તુષારભાઇ નાથુભાઇ પટેલ એક પ્રગતિશીલ ખેડૂત ખેતી અને નર્સરી પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બન્યાં છે.
જયેશભાઈ મૂળ ખેડૂતપુત્ર તથા અભ્યાસે ટેક્ષટાઇલ એન્જિનિયર પરંતુ ખેતીમાં રસ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશભાઈ છેલ્લાં ૧૪ વર્ષથી ભરાડીયા ગામે ૬૦ એકર વિસ્તારમાં ખેતી અને નર્સરી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેઓ 'જારવી નર્સરી અને જારવી સિડ્સ પ્રા. લિ.' નામથી કંપની ચલાવે છે. જેમાં દેશભરના ૭ રાજ્યના ૧૫૦૦૦ થી વધુ ખેડૂત ગ્રુપ સંકળાયેલા છે. 
જયેશભાઇના ધર્મપત્ની હીનાબેન ખભે ખભા મિલાવીને પતિને ઉત્સાહભેર સાથ આપી રહ્યા છે. ખાસ કરીને આસપાસની મહિલાઓને રોજગારી પૂરી પાડીને તેઓ સ્ત્રી સશક્તિકરણમાં પણ બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. નર્સરી પ્રવૃત્તિ થકી તેઓ આજુબાજુના ગામોના ૪૦૦ થી પણ વધારે સ્ત્રી -પુરૂષોને રોજીરોટી પૂરી પાડી રહ્યાં છે. 
 
જયેશભાઇ વેજિટેબલ ગ્રાફ્ટિંગ ટેકનિક દ્વારા કોળાના રૂટ સ્ટોક ઉપર તરબૂચના રોપણ કરી તરબૂચના ગ્રાફ્ટેડ રોપાઓ "પ્લગ ટ્રે" માં તૈયાર કરે છે. આ કળાના કારણે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેઓને રાજ્ય કક્ષાનો 'બેસ્ટ આત્મા ફાર્મર' એવોર્ડ મળી ચૂક્યો છે. બજારમાં માંગ હોય તેવા શાકભાજીના રોપાઓ પ્લગ ટ્રે માં ઉછેરી વેચાણ કરી રહયા છે. ખેડૂતોને પોતાની પસંદગીના બિયારણ મળી રહે એ માટે ટામેટા, મરચી, રીંગણી, ફૂલેવર વગેરેનું ધરું પણ તૈયાર કરી આપે છે. 
 
આ માટે ખાસ ઓટોમેટિક ટ્રે ફિલર એન્ડ સિડીંગ યુનિટ જેવા અત્યાધુનિક મશીનરીનો ઉપયોગ કરીએ છીએ. લાલ, સફેદ અને પીળા એમ ત્રણ કલરના કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની વિવિધ જાતોની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરે છે. NHB ડ્રેગન ફ્રુટમાં નોંધણી કરાવનાર નર્સરી દેશમાં સૌ પ્રથમ છે..જે સિડલીંગ મશીનરીસથી ભરપૂર હાઇટેક નર્સરી છે. 
 
જયેશભાઇ દેશના વિવિધ વિસ્તારોમાં થતા અને ગુજરાતમાં દુર્લભ હોય એવા પી-નટ બટર ફ્રૂટ, લોંગાન, લિચી, ફિંગર લેમન, એવોકાડો જેવા વૃક્ષોનો ઉછેર કરે છે.. પપૈયાના રોપા તૈયાર કરી ભારતભરમાં વેચાણ કરી રહેલ છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક મુખ્ય છે. જમરૂખના રોપા તેમજ કલમો ઉછેરીને વેચાણ કરે છે. જમરૂખની જારવી રેડ નામે વેરાયટી પણ રજિસ્ટર કરાવી રહ્યા છે ડ્રેગનફૂટની વિવિધ જાતોની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરી રહેલ છે તેના કટીંગથી રોપા ઉછેરીને વેચાણ પણ કરે છે. 
 
જામફળ, કેરી તથા અન્ય ફળોની વિદેશમાં નિકાસ પણ કરે છે. મુકેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ અને અક્ષયભાઈ રાજેન્દ્રભાઈ પટેલ પણ તેમની આ પ્રવૃત્તિમાં સહયોગ આપી રહ્યાં છે. તેમણે તરબુચ, ટેટી, રીંગણ, જેવા છોડમાં કલમ (વેજીટેબલ ગ્રાફ્ટીંગ) કરીને પણ સ્વકુશળતાનો પરચો આપ્યો છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે જયેશભાઈએ સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડૂતો માટે આત્મનિર્ભરતાનું જવલંત ઉદાહરણ પુરું પાડયું છે.
 
તાજેતરમાં જ ભરૂચ જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, પ્રાંત અધિકારીશ્રી પ્રણવ વિઠૃાણી, નાયબ બાગાયત નિયામકશ્રી જે.એચ.પારેખ, નાયબ ખેતી નિયામક(આત્મા પ્રોજેકટ)  પી.એસ.રાંકે વાલીયા તાલુકાના ભરાડીયા ગામની  જારવી નર્સરીની મુલાકાત લીધી હતી. ત્યાંની ખેતી અને નર્સરી અને તેમની મહેનત જોઇ પ્રગતિશીલ ખેડૂત જયેશભાઇ અને તેમના પરિવારને બિરદાવ્યા હતા. આ મુલાકાત વેળાએ જયેશભાઇના ધર્મપત્નિ હિનાબેને ખેતી અને નર્સરીની પ્રવૃતિથી સૌને વાકેફ કર્યા હતા.