શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 8 નવેમ્બર 2019 (13:17 IST)

ગિરનારના ઉતાવળિયા પરિક્રમાર્થીઓને વન વિભાગે કરાવી ઉઠક-બેઠક, 22 યાત્રિકોને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો

જુનાગઢના ગિરનારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા યાત્રિઓના ધસારાને પગલે શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથમાં પરિક્રમાર્થીઓનો ધસારો વધતા સરકારી તંત્ર અને વન વિભાગે રાત્રે 12ના ટકોરે ઇટવા દરવાજો ખુલ્લો મૂક્યો હતો. ત્યારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી હતી. સમય પહેલા જ ગીર અભ્યારણ્યમાં પ્રવેશ કરનાર મુસાફરોને ઉઠકબેઠક કરાવી હતી. ગિરનાર પરિક્રમાની શરૂઆત પહેલા જ કેટલાક ઉતાવળિયા પરિક્રમાર્થીઓએ ચઢવાનું શરૂ કરી દીધું હતું. જેને કારણે સ્થાનિક તંત્રને મેનેજમેન્ટમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓને વન વિભાગે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. નિયત સમય પહેલા ગિરનાર સેન્ચુરીમાં પ્રવેશ કરનાર યાત્રિકોને વન વિભાગે ઉઠક બેઠક કરાવી હતી. મોજશોખ કરવા વહેલા ગિર જંગલમાં ઘૂસેલા યુવકોને ઊઠક બેઠક કરાવી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.તો સાથે જ 22 જેટલા પરિક્રમાર્થીઓને વન વિભાગે દંડ ફાટકાર્યો હતો. આ તમામ પરિક્રમાર્થીઓ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના હતા. જેઓને 1000 રૂપિયા દંડ પેઠે ચૂકવવા પડ્યા હતા. ગિરનાર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી  પ્રતિબંધિત જંગલ છે. માત્ર પરંપરાગત પરિક્રમા માટે જ પ્રવેશની નિયત દિવસોમાં મંજૂરી અપાય છે. પરંતુ કેટલાક ઉતાવળિયા લોકો વહેલા જંગલમાં પ્રવેશ કરે છે, જેથી વન વિભાગ આવા લોકોને દંડ કરે છે. અંદાજે દોઢ લાખથી વધુની જનમેદનીએ પરિક્રમા માટે ભવનાથમાં પડાવ નાંખ્યો છે. તો બીજી તરફ, ગુજરાત પરથી મહા વાવાઝોડાનો ખતરો ટળતા તંત્રએ અને પરિક્રમાના યાત્રિઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગત મધ્યરાત્રિથી પરિક્રમા શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ વિધિવત રીતે આજે સાધુ સંતોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવશે