ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (11:22 IST)

“હર ઘર દસ્તક” અભિયાન: દેશમાં ક્યાંય રસીની અછત નથી, બીજો ડોઝ લેવા કર્યો અનુરોધ- મનસુખ માંડવિયા

“સંપૂર્ણપણે રસીકરણ કરાયેલ વ્યક્તિઓની સંખ્યા દેશમાં પ્રથમ વખત આંશિક રીતે રસી અપાયેલી યોગ્યતાપ્રાપ્ત લોકોની સંખ્યાને વટાવી ગઈ છે. આ સિદ્ધિ માનનીય પ્રધાનમંત્રીના 'જન-ભાગીદારી' અને "સમગ્રતયા સરકારી અભિગમ", લોકોનો સરકારમાં વિશ્વાસ અને ચાલી રહેલા 'હર ઘર દસ્તક' અભિયાનના વિઝન કે જેને દેશના વિવિધ ભાગોમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, તેના લીધે શક્ય બની છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આ વાત કહી હતી.
 
દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની નોંધપાત્ર સિદ્ધિમાં પ્રથમવાર સંપૂર્ણપણે રસીકરણ કરાવેલ લોકોની સંખ્યા જે લોકોએ રસીનો માત્ર એક ડોઝ લીધો છે એવા લોકોની સંખ્યાથી આગળ નીકળી ગઈ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 67,82,042 રસી ડોઝના આપવાની સાથે, ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 113.68 કરોડ (1,13,68,79,685)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.
 
કામચલાઉ ડેટા મુજબ, આ 1,16,73,459 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. જેમાં 75,57,24,081 ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે અને 38,11,55,604 ડોઝ બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. આમ, રસીના બંને ડોઝ મેળવનારા લોકોની સંખ્યા (38,11,55,604) જેમણે સિંગલ ડોઝ લીધો છે એવા લોકોની સંખ્યા (37,45,68,477) કરતાં વધી ગઈ છે.
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ સિદ્ધિ પ્રાપ્ત થવા માટે દેશના સામુહિક નિર્ધાર અંગે અભિનંદન પાઠવ્યા. એક ટ્વીટમાં તેમણે તમામ રસી લેવા યોગ્ય નાગરિકોને રસી પ્રાપ્ત કરી લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું, “આપણે સાથે મળીને કોવિડ-19 સામેની લડાઈ જીતીશું.”
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એક મહિનો ચાલનારા “હર ઘર દસ્તક” અભિયાનના સમાપન સુધીમાં દરેક ભારતીયને રસી લાગી ચૂકી હશે. ડો. માંડવિયાએ કહ્યું, “ભારત સરકારના કોવિડ-19 સામે દરેક નાગરિકને સુરક્ષિત રાખવાના ભારત સરકારના મક્કમ નિર્ધારના કારણે 16 જાન્યુઆરી, 2021થી દેશભરમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું અને તેમાં અત્યાર સુધીમાં અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. 
 
રાષ્ટ્રને 21 ઓક્ટોબર, 2021ના રોજ 100 કરોડ ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની વિશિષ્ટ સિદ્ધિ મળી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હાકલ તકી અને 3 નવેમ્બર, 2021ના રોજ “હર ઘર દસ્તક” અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં દરેક ઘરે દરવાજો ખટખટાવીને લોકોને રસી માટે બહાર લાવવાનું કાર્ય શરુ કરાયું અને જેથી દરેક લોકો અંત્યોદયાના નિર્ધાર સાથે કોવિડ-19 સામે સુરક્ષિત રહી શકે.”
 
એક મહિનો ચાલનારા “હર ઘર દસ્તક” અભિયાનનો હેતુ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લેવામાં સમગ્ર પુખ્તવયની વ્યક્તિઓને આવરી લેવાય એ સુનિશ્ચિત કરવાનો છે અને સાથે જેમને બીજો ડોઝ લેવાનો બાકી છે તેમને રસીનો બીજો ડોઝ લઈ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આરોગ્યકર્મીઓ ભારતભરમાં ઘરે ઘરે જઈને રસી લેવા માટે યોગ્ય લોકોને રસી આપી રહ્યા છે અને તેમાં ખાસ કરીને જ્યાં 50 ટકાથી ઓછો રસી લેવા યોગ્ય પુખ્ત લોકોની સંખ્યા ધરાવતા જિલ્લાઓ પર લક્ષ આપવામાં આવી રહ્યું છે.
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ સાથે એવી પણ ખાતરી આપી હતી કે દેશભરમાં ક્યાંય રસીની અછત નથી. તેમણે લોકોને બીજો ડોઝ લેવા માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો અને તેમના પરિવાર અને સમુદાયોને પણ બીજો ડોઝ મેળવી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.