હાર્દિક પટેલ આજે અનામત આંદોલનની સ્થિતિ વર્ણવતા ભાવુક થઈ કહ્યું હતું કે, પાસના જ કેટલાક કહેવાતા કન્વીનરો આંદોલનને પુરુ કરવા માગે છે અને સમાજમાં જ કેટલાક ગદ્દારો છે જેમનો સહારો ભાજપ સરકાર લઈ રહી છે. હું હાર્દિક પટેલ દુઃખી થઇને આજે પહેલી વાર મારી વેદના આપની વચ્ચે જણાવી રહ્યો છું. છેલ્લા બે વર્ષથી સમાજ ના હિત માટે લાખો લોકો લડાઈ લડી રહ્યા છે.જેમાં આપણા સમાજ ના નવલોહિયા યુવાનો એ શહિદી વહોરી છે. લડાઈ જીતની નજીક છે, પરંતુ આ લડાઈ જીતી ન જવાય માટે ભાજપ સરકારના આયોજનથી અમુક આંદોલનકારીઓ જે દૂધ અને દહીંમાં પગ રાખે છે તેવા કહેવાતા કન્વીનરો આંદોલન તોડવા માટે વિજય રૂપાણી અને જનરલ ડાયર અમિત શાહના કહેવાથી સરકારને પાસના કન્વીનર બનીને મળવા જઈ રહ્યા છે. આંદોલન તોડવા માટેનું આયોજન થઇ રહ્યું છે. કેમ કે ચૂંટણી નજીક છે. હાર્દિકે કહ્યું કે, અમે લોકો વેચાયા નહીં માટે આવા ગદ્દારોનો સહારો ભાજપ સરકાર લઇ રહી છે. પાસની કોરકમિટી થોડા દિવસ પહેલા ધાર્મિક સંસ્થાના આગેવાનોને મળ્યા પછી આ કહેવાતા પાસ કન્વીનરો ફરીથી ધાર્મિક સંસ્થાના આગેવાનોને મળવા ગયા અને આંદોલન પૂરું કરવા માટે કહ્યું. અમે લોકો સમાજને ન્યાય મળે એ માટે લડી રહ્યા છીએ. ક્યારેય સમાજ માટે ખોટું નથી વિચાર્યું. આજે તમને ખબર પડી ગઈ હશે કે અમારી લડાઈ સાચી છે કેમ કે મરાઠા સમાજને અનામત મળી છે તો આપણને મળવી જોઈએ. આપ સૌને વિનંતી છે કે આવા તકવાદી લોકોથી સાચવજો અને નિસ્વાર્થ ભાવે કામ કરતા સાચા કન્વીનરોને સાથ આપજો. આવતા ૨૩ દિવસમાં સરકાર આવા લોકોને બોલાવીને આંદોલન બંધ કરવાનું આયોજન કરી રહી છે. આજે આવા લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે.