બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (15:01 IST)

40 કરોડમાં સોદો કરીને ભાજપે હાર્દિકની નકલી સેક્સ સીડી બનાવી - PAAS

હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી બહાર આવ્યા બાદ PAAS દ્વારા ભાજપ પર સીધો આરોપ મૂકવામાં આવ્યો છે કે, ભાજપે આવી 52 નકલી સેક્સ સીડીઓ તૈયાર કરવામાં આવી છે. હાર્દિકના સાથી દિનેશ બાંભણિયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપ નારાયણ સાંઈની માફક હાર્દિકને ફસાવી જેલમાં પૂરવા માગે છે. બાંભણિયાએ કહ્યું હતું કે, આ સીડીઓ તૈયાર કરવામાં 40 કરોડ રુપિયામાં સોદો કરવામાં આવ્યો છે.

આ સીડી બનાવવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ વિપુલ અને બિમલ પટેલ નામના બે શખ્સો સામેલ હોવાનો પણ PAAS દ્વારા દાવો કરાયો છે.આજે પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર આગેવાનો દ્વારા એવો પણ દાવો કરાયો હતો કે, ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કોઈ મહિલાને ઉભી કરી તેના દ્વારા હાર્દિક પટેલ પર બળાત્કારની ખોટી ફરિયાદ કરાવવાનો પણ પ્લાન બનાવી ચૂક્યો છે. સરકાર આમ કરીને ચૂંટણી ટાણે હાર્દિક પટેલને બળાત્કારના કેસમાં આરોપી બનાવી જેલમાં ધકેલી દેવા માગે છે. બાંભણિયાએ જણાવ્યું હતું કે, સીડી બનાવનારા વિપુલ પટેલને હાલ અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, હાર્દિક ઉપરાંત પાસના અન્ય આગેવાનોની પણ સીડી તૈયાર કરવામાં આવી છે, અને જે પણ ચૂંટણી લડે તેની સીડી બહાર પાડવાનો ભાજપનો પ્લાન છે.પાસ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કેમ નથી કરાવાઈ તે સવાલનો જવાબ આપતા બાંભણિયાએ કહ્યું હતું કે, જ્યારે ખુદ પોલીસ જ આ સીડી બનાવવામાં સંડોવાયેલી હોય ત્યારે પોલીસને તે અંગે ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે દાવો કર્યો હતો કે, એક પોલીસ કમિશનર, એક એસપી તેમજ બે પોલીસ ઈન્સ્પેક્ટરે આ સીડીઓ તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે, બાંભણિયાએ તેમના નામ જાહેર કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પાસ આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કોર્ટને તે અંગેને પુરાવા સોંપવામાં આવશે તેમ જણાવતા બાંભણિયાએ કહ્યું હતું કે, પોલીસ સરકારના ઈશારે ચાલી રહી છે, અને તેના પર વિશ્વાસ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, એક યુવતીને સાથે પણ 50 લાખનો સોદો કરી હાર્દિક સામે બળાત્કારની ખોટી ફરિયાદ ઉભી કરવાનું ભાજપે ષડયંત્ર રચ્યું છે. પોતાની પાસે આ અંગે પુરતા પુરાવા હોવાનો દાવો કરતા બાંભણિયાએ કહ્યું હતું કે, કોર્ટમાં જે પુરાવા આપવાના છે તે અંગે હાલ કોઈ ખુલાસો ન કરી શકાય.