બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2020 (15:16 IST)

અમદાવાદમાં ગરમી પારો ઉંચકાતા એશિયાનું ત્રીજું સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે.  સમગ્ર ગુજરાત અગનગોળામાં ફેરવાયુ હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતની ધરતી જ્યારે સતત તપી રહી હોય, તેમ ગુજરાતમાં ગરમીના પારા (Heatwave) નો વધારો થઈ રહ્યો છે. જોકે, આગામી દિવસમાં વધુ 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના અનેક પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. જોકે, ગરમીનો પારો હજી વધી શકે છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, ગોંડલ, જસદણ સહિત અનેક પંથકોમાં સર્વત્ર કમોસમી વરસાદ પડ્યો છે. 
 
રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ 43.8 ડિગ્રી સાથે દેશનું પ્રથમ અને એશિયામાં ત્રીજા ક્રમનું તેમજ આ સિઝનનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદની સાથે ડીસા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર પહોંચી ગયો હતો. 
 
હવામાન વિભાગનાં આંકડા મુજબ, બુધવારે શહેરનું મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 43.8 અને લઘુતમ તાપમાન 1.7 ડિગ્રી વધીને 27.4 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. 
 
હાલમાં ગુજરાતમાં ઉપરનાં લેવલ પર એન્ટી સાયઇક્લોનિક સરક્યુેલશન સક્રીય થતાં વાતાવરણનાં ઉપરનાં લેવલના ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે. આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અન્ય શહેરોમાં ત્રણ દિવસ સુધી ગરમીનું જોર યથાવત રહેશે.