1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2020 (13:51 IST)

ગુજરાતમાં લૉકડાઉન વધી શકે છે, કેન્દ્રના નિર્ણય પર મદાર

એક તરફ, કોરોનાએ ગુજરાત પર મજબૂત રીતે સકંજો કસ્યો છે જેના કારણે કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે.બીજી તરફ,લોકડાઉન પૂર્ણ થવાને આડે હવે ચારેક દિવસ જ બાકી રહયાં છે. આ સંજોગોમાં લોકડાઉન ખોલવું કે પછી લંબાવવુ તે અંગે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે.  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે પરામર્શ કરાયો હતો.જોકે, એવી વાત ઉભરી છે કે,૩જી મે પહેલાં કેન્દ્ર સરકાર શું નિર્ણય કરે છે તેના પર રાજ્ય સરકાર નિર્ણય કરશે.પણ એટલું ચોક્કસ છે કે,અમદાવાદ સહિતના મોટા શહેરોમાં જયાં કોરોનાના કેસો વધુ છે ત્યાં લોકડાઉનમાં કોઇ રાહત અપાશે નહીં.  આ જોતાં ગુજરાતમાં ૩જી મે પછી પણ લોકડાઉન લંબાઇ શકે છે.  હાલમાં ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતી અમદાવાદમાં વણસી છે.દિલ્હી-મુંબઇ કરતાં ય અમદાવાદની પરિસ્થિતી ખરાબ રહી છે. દેશના ટોપ ફાઇવ હોટસ્પોટ શહેરમાં અમદવાદનો ક્રમ મોખરે છે.આ સ્થિતીમાં લોકડાઉનમાં રાહત આપવી એ જોખમી પુરવાર થઇ શકે છે. વિડીયો કોફરન્સના  માધ્યમથી મળેલી કેબિનેટની બેઠકમાં કયા જિલ્લામાં કોરોનાની કેવી પરિસ્થિતી છે તેનો તાગ મેળવાયો હતો.આ ઉપરાંત કયા જિલ્લામાં વધુ છુટ આપી શકાય  અને કયા જિલ્લામાં લોકડાઉન લંબાવાય તે મુદ્દે મંત્રી-અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.  સૂત્રોનું કહેવુ છેકે, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરામાં કોરોના ના કેસો વધુ છે તે જોતાં આ બધાય શહેરોમાં લોકડાઉન લંબાવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્ય  સરકાર આ બધાય શહેરોમાં લોકડાઉન લંબાવવાના મતમાં છે. જયાં ઓછા કેસો છે તેવા ગ્રીન ઝોનમાં લોકડાઉનમાં રાહત આપવા સરકાર વિચારી રહી છે. અમદાવાદ શહેરમાં તો ૪૮ વોર્ડ પૈકી છ વોર્ડ તો રેડ ઝોનમાં છે.બાકીના ૪૨ વોર્ડ પણ ઓરેન્જ ઝોનમાં છે પરિણામે લોકડાઉનમાં છુટ અપાય તેવી કોઇ શક્યતા નથી.હોટસ્પોટ ગણાતાં કોટ વિસ્તારમાં તો સરકારે ખાસ ધ્યાન આપવા સૂચના આપી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનમાં છુટછાટ અપાશે. સોશિયલ ડિસટન્સ અને માસ્ક ફરજિયાત બનાવાશે.  આ ઉપરાંત કરિયાણાની દુકાનથી માંડીને સરકારી ઓફિસોમાં સોશિયલ ડિસટન્સનુ કડક પાલન કરવુ પડશે.સેનેટાઇઝર્સનો ય ઉપયોગ કરવાનો રહેશે.જોકે,રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નિર્ણયની રાહમાં છે.૩જી મે પહેલાં કેન્દ્ર સરકાર લોકડાઉનને લઇને જાહેરાત કરી શકે છે ત્યારબાદ ગુજરાત સરકાર પણ લોકડાઉનને લઇને નિર્ણય લેશે. હવે લોકડાઉન પાર્ટ-૨ પૂર્ણ થયા બાદ લોકડાડાઉન પાર્ટ-૩ કેટલી મુદત સુધી લંબાવાશે તે અંગે લોકોની નજર મંડાઇ છે.