મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (16:29 IST)

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, ઉપરવાસમાંથી વિક્રમજનક પાણીની આવક થતા તમામ જળાશયો ઓવરફ્લો (જુઓ ફોટા)

: છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદ બાદ આજ વરસાદે વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક મધ્ય ગુજરા, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે છેલ્લા 24 કલાકમાં 215 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સિઝનનો કુલ 116 ટકા વરસાદ નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યૂલેશન અને લો પ્રેશર સક્રિય થયું હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક રાજ્યના મધ્ય ગુજરા, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાનની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ભરૂચ, સુરત, ડાંગ, નર્મદા, વડોદરા, આણંદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, અમદાવાદ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા શહેરોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાંથી વિક્રમજનક પાણીની આવક થવાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જેને લઇને ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ ગોલ્ડન બ્રિજ ખાતે આવેલી નર્મદા નદી બેં કાઠે વહેતી થતા તેની જળ સપાટી 31.50 ફૂટે પહોંચી ગઇ છે.
24 ફૂટની ભયજનક સપાટી વટાવી 7.50 ફૂટ ઉપરથી નર્મદાનું પાણી વહી રહ્યું છે. નદીમાં જળસ્તર વધતા અત્યાર સુધી જિલ્લામાં 2 હજાર 900થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સજ્જ છે. જેને લઇને એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.