શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , મંગળવાર, 16 જુલાઈ 2019 (10:06 IST)

રૂ.૬૫૬ કરોડના ખર્ચે ઉત્તર/મધ્ય ગુજરાતનો ૧૩૬ કિ.મી. લાંબો માર્ગ ફોરલેન બનશે, વર્લ્ડબેંક કરશે સહાય

રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ અમારી પ્રતિબદ્ધતા છે ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.૬૫૬ કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે અને આ કામો ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરાશે એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. 
 
નીતિન પટેલે ઉમેર્યુ કે, વિશ્વબેંક લોન સહાયિત આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.૧૯૩૮ કરોડ કિંમત પૈકી રૂ.૧૦૫૦ કરોડની વિશ્વ બેંકની લોન મળશે, આ કામોમાં રૂ.૨૨૨ કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે. 
 
ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિદ્ધપુર રસ્તાને ૬ માર્ગીયકરણ કરવાનું કામ રૂા.૨૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઇ ઉંઝા-સિદ્ધપુર સુધીના ૨૫ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું ૮ માર્ગીય કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં ૧ર૦૦ મીટર જેટલી લંબાઇનો ૬ માર્ગીય ફલાયઓવર બનાવાશે. સિદ્ધપુર ગામની ૪ કિ.મી. જેટલી લંબાઇમાં ૬ માર્ગીય રસ્તા ઉપરાંત બન્ને તરફ ૭ મીટર પહોળાઇમાં સર્વીસ રોડ બનાવવામાં આવનાર છે. ઉક્ત કામગીરીથી  મહેસાણા–સિદ્ધપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.
 
આ ઉપરાંત સિદ્ધપુર થી પાલનપુર રસ્તાને પણ ૬ માર્ગીયકરણ ૨૧૫ કરોડના ખર્ચે કરવામાં આવશે જેમાં સિદ્ધપુર થી પાલનપુર સુધીની ૩૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું ૮ માર્ગીય કરવામાં આવશે જેના પરિણામે સિદ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.
 
આ ઉપરાંત રૂા. ૧૨૪ કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની ૬૦ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત બે માર્ગીય રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મધ્ય ગુજરાતના હાર્દસમા રૂા. ૮૬ કરોડના ખર્ચે ધોરીડુંગરી થી લુણાવાડા રસ્તાના સુધારો/ મજબૂતીકરણ / નવીનીકરણ કરવાનું કામ હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરી થી ગરસિયાવાડા અને ગરસિયાવાડા થી લુણાવાડા સુધીની ૨૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. 
 
આ કામગીરીમાં સુધારો/ મજબૂતીકરણ / નવીનીકરણની કામગીરી તથા હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રીજના બાંધકામો પણ કરાશે. જેના પરિણામે રાજ્યના મહીસાગર અરવલ્લી જિલ્લાઓના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે. ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલ કે જે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણીવાર બંધ થઈ જતો હતો તે જગ્યાએ મેજર બ્રીજ થવાથી મહીસાગર જિલ્લાને ગાંધીનગર સાથે બારમાસી કનેકટીવીટી મળશે.