ખાતેદાર ખેડુત અકસ્માત યોજના’ હેઠળ રાજકોટ જિલ્લામાં રૂ. ૮૩ લાખની સહાય ચૂકવાઇ : કૃષિ રાજ્યમંત્રી

javrath singh parmar
ગાંધીનગર:| Last Updated: મંગળવાર, 16 જુલાઈ 2019 (11:06 IST)

ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખાતેદાર ખેડૂતોને અકસ્માત સમયે સહાયરૂપ થવા માટે ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના જાહેર કરી છે. જે હેઠળ મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા બે લાખ અને એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા એક લાખની સહાય ચુકવવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની હોવાનું કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું.

વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં ‘ખાતેદાર ખેડુત અકસ્માત વિમા યોજના’ની સહાયની અરજીઓના પ્રશ્નમાં જયદ્રથસિંહજી પરમારે કહ્યું કે, રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ કુલ ૧૩૨ અરજી આવી હતી તે પૈકી ૮૩ અરજીઓ મંજૂર કરાઇ છે, અને રૂ.૮૩ લાખની સહાય ચૂકવાઇ છે. ૧૮ અરજીઓ નામંજૂર કરાઇ છે, જ્યારે ૩૧ અરજીઓ અપૂરતા ડોક્યુમેન્ટના કારણે બાકી છે.

જયદ્રથસિંહજી પરમારે ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટેની આ યોજના હેઠળ ભૂતકાળમાં જે સહાય અપાતી હતી તે બમણી કરી દીધી છે.
જ્યારે યોજનાનો વ્યાપ વધારીને ખેડૂત ખાતેદારના કોઇપણ સંતાનને અકસ્માત સમયે આ યોજના હેઠળ આવરી લેવાય છે. આ યોજના હેઠળ અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી અપંગતા બે આંખ કે બે અંગ અથવા બે હાથ કે બે પગ ગુમાવવાના કિસ્સામાં કે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા લેખે રૂપિયા બે લાખની સહાય, જ્યારે અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા લેખે રૂપિયા એક લાખની સહાય ચુકવવામાં આવે છે.

યોજનામાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી) ના બદલે ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાનોને લાભ આપવામાં આવે છે. વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂત એટલે કે મહેસુલ રેકોર્ડ અનુસાર ૭/૧૨, ૮-અ અને હક પત્રક-૬માં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાયેલ છે.


આ પણ વાંચો :