1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (20:29 IST)

હવામાન વિભાગની આગાહી - આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારે તથા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે - NDRFની ટીમો એલર્ટ પર

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી મેઘરાજા તોફાની બેટિંગ ફરી શરૂ થઈ છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં મેઘમહેર યથવાત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. વેધર વોચ ગ્રુપની આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજાઈ હતી જેમાં હવામાન વિભાગના અધિકારી દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
 
કયા-કયા જિલ્લાઓમાં પડી શકે અતિભારે વરસાદ?
IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજયમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેથી અગમચેતીના પગલાંરૂપે રાહત બચાવ કાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે તે અંગે સૂચના આપવામાં આવી છે. 
 
રાજ્યમાં 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
 
બેઠકમાં કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે 6 સપ્ટેમ્બર 2021 સુધીમાં અંદાજીત 81.55 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 84.48 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 95.33 ટકા વાવેતર થયુ છે.
 
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકા વરસાદ
 
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યુ કે, આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજયમાં 10 જિલ્લાના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં 58 મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી 427.06 મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 50.84 ટકા છે. 
 
સરદાર સરોવર ડેમમાં 48 ટકા પાણી
 
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 1,61,876 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 48.45 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ કે, રાજયના 206 જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 55.70 ટકા પાણી છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-8 જળાશય, એલર્ટ ૫ર કુલ 9 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 12 જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને પોરબંદર ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે અને 6 ટીમ વડોદરા અને 1 ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ પૈકી એક ટીમ અમરેલી ખાતે રાખવા સૂચના અપાઈ છે.