1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (19:24 IST)

ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ, વાસાવડ ગામ પાસે નદીમાં આવ્યું ઘોડાપૂર

હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી જ રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ મંડાણ માંડ્યા છે. બપોર બાદ સમગ્ર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોંડલના વાસાવડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાસાવડ ગામ પાસેથી નદી ગાંડીતૂર બની છે.
 
રાજકોટના ગોંડલમાં દોઢ કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગોંડલના ગ્રામ્ય પંથકમાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરના અંડરબ્રિજમાં કેડસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદને પગલે ગોંડલની વાસવડી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.
 
 રાજકોટ જિલ્લામાં આજે ત્રીજા દિવસે સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. જસદણ પંથકમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જસદણના આટકોટ, પાંચવડા, ખારચિયા, જંગવડ, જીવાપર, ગુંદાળા, વીરનગર સહિતનાં ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
 
બોટાદ જિલ્લાના બરવાળા,રાણપુર,ગઢડા બોટાદ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અંદાજે બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. મહિલા કોલેજ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે. મહુવાના મોટા ખૂટવાડા અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડાઓમા પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મહુવાની સ્થાનિક માલણ નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના પાણી મોટા ખૂટવાડા ગામના રોડ પર ફરી વળ્યા હતા.
 
બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોધરાના બીએમ ચેમ્બર, શહેરા, ભાગોડા, અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખેડાના નડિયાદ, વસો , મહુધા , ડાકોર , ગળતેશ્વર , ઠાસરા , મહેમદાવાદ , કઠલાલમાં વરસાદ નોંધાયો હતો. વસો અને નડિયાદ શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નડિયાદના વૈશાલી ગરનાળુ, માઇ મંદિર ગરનાળામાં પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.