શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (14:17 IST)

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 10-10 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા વળતરનો હાઇકોર્ટે આપ્યો આદેશ

morbi
મોરબીના બ્રિજ અકસ્માતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિવારને 10-10 લાખ અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે બુધવારે ઓરેવા ગ્રુપને આ આદેશ આપ્યો હતો. કોર્ટે આ નિર્ણય પીડિતોની માંગ પર આપ્યો જેમાં તેમણે યોગ્ય વળતરની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભોપાલ ગેસ દુર્ઘટના અથવા ઉપહાર આગ દુર્ઘટનાની જેમ તેમને વળતર આપવું જોઈએ. પીડિતોને વળતરની માંગ પર ઓરેવા ગ્રુપે 5 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. હવે હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને તમામ મૃતકોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. 30 ઓક્ટોબરે મોરબીમાં પુલ ધરાશાયી થતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા.
 
મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણી અને ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટની ખંડપીઠે સતત બીજા દિવસે મોરબીની ઘટનાની સુનાવણી દરમિયાન આ મહત્વનો નિર્ણય આપ્યો હતો. હાઈકોર્ટે આ નિર્ણય અજંતા કંપનીને આપ્યો છે. અંજતા વોચ કંપની ઓરેવા ગ્રુપની સૌથી જૂની અને મુખ્ય કંપની છે. હાઈકોર્ટે આ વચગાળાનો આદેશ આપ્યો છે. આ પહેલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીએ આ મામલે ચાલી રહેલી તપાસ અંગે પૂછપરછ કરી હતી.
 
ઓરેવા ગ્રુપના એમડી અને પ્રમોટર જયસુખ પટેલ પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ મોરબી સબ જેલમાં બંધ છે. આ મોટા અકસ્માત બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી. જેમાં પોલીસે ઓરેવા જૂથના નવ લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેર્યું હતું. પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે કસ્ટડી લીધી હતી. જયસુખ પટેલ કસ્ટડી પૂરી થયા બાદથી જેલમાં છે. આ કેસમાં પોલીસે મોરબી કોર્ટમાં કુલ 1262 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસની ચાર્જશીટ પર મોરબી કોર્ટમાં ટૂંક સમયમાં જ ટ્રાયલ શરૂ થવાની આશા છે.