શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (11:02 IST)

દક્ષિણ આફ્રીકામાં ગુજરાતના રહેવાસી યુવકની ગોળી મારીને હત્યા, પરિવારમાં માતમ છવાયો

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં લૂંટ કરવા આવેલા લૂંટારાઓએ ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ફોર્ડસબર્ગ ટાવરમાં લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો હતો. યુવકનું નામ ઝુબેર પટેલ છે અને તે જંબુસરનો રહેવાસી છે. વિદેશમાં યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
 
ઘટના સંદર્ભે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરમાં રહેતો ઝુબેર પટેલ ઉર્ફે ઝુબેર ડીગ રોજગાર સંદર્ભે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો. અહીં તે ફોર્ડ બર્ગ ટાવર સ્થિત મોબાઈલ શોપમાં કામ કરતો હતો.
 
સોમવારે લૂંટના ઈરાદે લૂંટારુઓ ફોર્ડસબર્ગ ટાવરમાં પ્રવેશ્યા હતા અને દુકાનદારો અને ગ્રાહકોને મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓ હથિયારો સાથે આવી પહોંચતા જ નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે લૂંટારાઓએ ગોળીબાર કર્યો હતો. લૂંટારુઓના ફાયરિંગમાં ઝુબેર પટેલને ગોળી વાગી અને ઈજા થઈ. સ્થાનિક લોકો ઝુબેરને હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ તેનું મોત થઈ ગયું. ઘટના બાદ જોહાનિસબર્ગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
 
જોહાનિસબર્ગમાં ગામના યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જંબુસર ગામ અને ઝુબેરનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર હુમલા બાદ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકા ખંડના સાઉથ આફ્રિકા, ઝાંબિયા, સ્વાઝીલેન્ડ, મલાવી, લુસાકા, કેન્યા, યુગાન્ડા સહિતના અનેક દેશોમાં ભરૂચના લોકો સ્થાયી થયાં છે. આ ગુજરાતી પરિવારોએ ત્યાં પેટ્રોલપંપ, મોલ, હાર્ડવેર, મોબાઇલ, ગ્રોસરી, બિલ્ડીંગ મટિરીયલ અને પ્લાસ્ટિક સહિતના અનેક વ્યવસાયોમાં કાઠુ કાઢયું છે. આ પરિવારો તેમના ગામમાંથી યુવાનોને રોજગારી માટે આફ્રિકા બોલાવી રહ્યાં છે.