શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 6 ફેબ્રુઆરી 2024 (12:42 IST)

કેડિલાના CMD રાજીવ મોદી કેસમાં કંપનીના HR મેનેજર જોન્સન મેથ્યુની પોલીસે પુછપરછ કરી

Cadillac CMD Rajeev Modi case
Cadillac CMD Rajeev Modi case


- બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
- આરોપી રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા
- પીડિત બલ્ગેરિયન યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગાયબ

 ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલ આ કેસની તપાસ ખૂબ જ સંવેદનશીલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. બીજી બાજુ પીડિતા રહસ્યમય સંજોગોમાં 13 દિવસથી ગુમ છે. જ્યારે આરોપી રાજીવ મોદી પણ વિદેશમાં હોવાની પોલીસને શંકા છે. આ કેસમાં આરોપી તરીકે કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુનું નામ ખૂલતાં પોલીસે તેમનું નિવેદન નોંધવા માટે બે વખત નોટિસ આપી હતી. છતાં તે સમય માંગી રહ્યો હતો. આખરે પોલીસે જોન્સન મેથ્યુનું નિવેદન નોંધી રાજીવ મોદી અને પીડિતાની કડીને જોડતી વિગતો મેળવી છે.
 
રાજીવ મોદી વિદેશમાં હોવાની પોલીસને આશંકા
આ કેસમાં કેડિલાના HR મેનેજર જોન્સન મેથ્યુને પૂછપરછ માટે પોલીસે બે વખત નોટિસ આપીને બોલાવ્યો હતો. ત્યારે બન્ને નોટિસ આપતી વખતે તેણે સમય માગ્યો હતો. જોકે, હવે પોલીસે તેને બોલાવીને પૂછપરછ પણ કરી છે અને તેનું નિવેદન નોંધ્યું છે. મેથ્યુનું નિવેદન લીધા બાદ હવે બલ્ગેરિયન યુવતીને શોધવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજીવ મોદીના ફાર્મહાઉસથી લઈને ઓફિસ સુધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. રાજીવ મોદી વિદેશમાં હોવાની પોલીસને આશંકા છે. જ્યારે થોડા દિવસોથી બલ્ગેરિયન યુવતી ગાયબ છે તેની કોઈ ભાળ મળી નથી. પોલીસ રાજીવ મોદીને શોધવા માટે અલગ અલગ જગ્યાએ પ્રયાસ કરી રહી છે. 
 
પીડિત બલ્ગેરિયન યુવતી શંકાસ્પદ સંજોગોમાં ગાયબ
બલ્ગેરિયન યુવતી સાથે શું થયું હતું અને તે કઈ રીતે રાજીવ મોદી સાથે સંપર્કમાં આવી હતી તે વિશે પણ પોલીસે જોન્સન મેથ્યુને પૂછ્યું હતું. પરંતુ તેના જવાબ વિશે પોલીસ મગનું નામ મરી પાડતી નથી. હવે આ પ્રકરણમાં પોલીસને મળેલી વિગત અને બલ્ગેરિયન યુવતીએ નોંધાવેલી ફરિયાદ સાથે કઈ કઈ વસ્તુ મેચ થાય છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 18 જાન્યુઆરીએ યુવતી તેના વકીલ સાથે પોલીસ અધિકારીને નિવેદન નોંધાવવા જવાની હતી. એ દિવસે તપાસ અધિકારી ડિપાર્ટમેન્ટના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી નિવેદન નોંધાયું નહોતું. યુવતી પાછી નિવેદન આપવા જાય એ પહેલાં તે શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થઈ ગઈ છે.