શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: મંગળવાર, 19 જુલાઈ 2022 (17:33 IST)

સુરતમાં આ બીચ પર જતાં હોય તો વાંચી લો, ડુમસ અને હજીરાનો સુવાલી બીચ મુસાફરો માટે બંધ કરાયો

ભારે વરસાદ અને તેજ પવનને પગલે સુરતમાં બે ફેમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા છે. સુરતના ડુમ્મસ અને સુવાલીનો દરિયો લોકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે દરિયા પર જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. તેમજ સહેલાણીઓ દરિયા પાસે પહોંચી ન જાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હાલ સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 40 થી 50 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જેન પગલે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સુરતનો ડુમસ બીચ અને હજીરાનો સુવાલી બીચ મુસાફરો માટે બંધ કરાયો છે. તો બીજી તરફ, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં સતત પાણી છોડવામા આવી રહ્યુ છે.

જેથી નદીમાં પાણીની આવક વધતા તાપી નદીનું જળસ્તર વધ્યુ છે. જેને પગલે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. કોઝવે પાણીમાં જવાથી માંડવી અને બારડોલી તાલુકા વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો છે. હરિપુરા અને કોસાડી ગામ વચ્ચેનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે. કોઝવેની બંને તરફ પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને મોટો ચકરાવો લઈને ફરવો પડશે. ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાંથી 1.88 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે.