રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (10:58 IST)

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, નગરપાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા ટેક્ષ-કરવેરામાં રાહત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર’’ યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા.૩૧-મે-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.૩૧-મે-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧પ ટકા વળતરનો લાભ મળશે.રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીશ્રીએ કરી આપી છે.
 
તદ્દઅનુસાર, ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો તા.૩૧ માર્ચ-ર૦રર સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ ૧૦૦ ટકા માફ કરવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે.
 
નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના’’નો અમલ કરવાનો નાગરિક સુખાકારીનો નિર્ણય કર્યો છે.