અમદાવાદમાં વિધવા મહિલા પર નણદોઈએ અડધી રાત્રે એસિડ નાંખ્યું,યુવતીના હાથ પગ દાઝી જતાં સારવાર અર્થે ખસેડાઈ

crime
Last Modified મંગળવાર, 20 જુલાઈ 2021 (15:18 IST)

અમદાવાદના દાણિલીમડા વિસ્તારમાં માતા પિતા સાથે રહેતી વિધવા મહિલા પર તેમના સગા નણદોઈએ એસિડ એટેક કર્યો હતો. આ મહિલાએ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદમાં નણદોઈનું નામ લખાવતાં ઉશ્કેરાયેલા નણદોઈએ મહિલાને ઘરની બહાર નીકળ કહીને એસિડની બોટલ ફેંકી હતી. જો કે સદનસીબે બોટલ દિવાલે અથડાઈને ફૂટી ગઈ હતી અને મહિલાના પગે એસિડના છાંટા ઉડ્યા હતાં. દાણીલીમડા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શાહઆલમમાં રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. લગ્નજીવન દરમિયાન તે એક દીકરીની માતા બની હતી, દરમિયાન ત્રણ વર્ષ પહેલા તેના પતિનુ મોત નિપજયુ હતુ ત્યારથી તે પિયરમાં રહે છે.

31 મેના રોજ યુવતીએ તેના સાસુસસરા, નણંદ તથા નણદોઈ વિરુદ્ધ શારિરીક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સોમવારે મધરાતે ત્રણ વાગે યુવતીનો નણદોઈ ઈમરાનહુસેન ઉર્ફે બાબુ શેખ બુલેટ લઈને યુવતીના ઘર પાસે આવ્યો હતો અને યુવતીને જોરજોરથી બૂમો પાડી મારું નામ ફરિયાદમાં કેમ લખાવ્યુ છે તેમ કહીને ગાળો બોલતા હતો.મહિલા બહાર આવતા તેણે કાચની બોટલ જેમાં કોઈ પ્રવાહી ભરેલું હતું કે ફેંકી હતી. જો કે મહિલા બાથરૂમ બાજુ જતી રહી હતી. બોટલ દીવાલ સાથે અથડાઈને ફૂટી ગઈ હતી. એસિડ ભરેલું હોવાથી તેના છાંટા મહિલાના પગે ઉડતા દાઝી હતી. ઘરના સભ્યો જાગી જતા નણદોઈ ફરાર થઈ ગયો હતો. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.આ પણ વાંચો :