કોરોનાની બીજી લહેર બાદ 82 ટકા અમદાવાદીઓમાં એન્ટીબોડી ડેવલોપ થઈ

Last Modified મંગળવાર, 20 જુલાઈ 2021 (08:59 IST)
કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં હજારો લોકોના મોત અને કેસો થયા હતા. કોરોનાની ઘાતક બીજી લહેર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 28 મેથી 3 જૂન વચ્ચે શહેરમાં પાંચમો સીરો સર્વે કર્યો હતો. કોર્પોરેશને શહેરના અલગ અલગ ઝોનમાં રહેતા કુલ 5000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં 81.63 ટકા સીરો પોઝિટિવ મળ્યા છે. જેથી કહી શકાય કે અમદાવાદમાં રહેતા 82 ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલોપ થઈ ચૂકી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના બાદ એન્ટીબોડી ડેવલોપ થઈ છે કે કેમ તે જાણવા માટે સીરો સર્વે પદ્ધતિ શરૂ કરી હતી. જેમાં અમદાવાદમાં રહેતા અલગ અલગ લોકોના સેમ્પલ લઈ અને તેના પર રિસર્ચ કર્યું હતું. કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં પાંચ સીરો સર્વે થઈ ચૂક્યા છે. મેના અંતથી જૂનના પહેલા અઠવાડિયામાં કરવામાં આવેલા સીરો સર્વે પ્રમાણે મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સીરો પોઝિટિવિટી વધુ છે. 1900 પુરુષોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 82%માં એન્ટીબોડી મળી આવ્યા છે, જ્યારે 2100 મહિલાઓના સેમ્પલમાંથી 81%માં એન્ટીબોડી મળ્યા છે. જે લોકોને ક્યારેય કોરોના થયો નથી અથવા રસી લીધી નથી, તેમની સીરોપોઝિટિવિટી 76.7 ટકા હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.રિપોર્ટ મુજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોમાં વધુ એન્ટીબોડી ડેવલોપ થઈ છે. સૌથી વધુ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા એટલે કે જોધપુર, સેટેલાઇટ, વેજલપુર, સરખેજ, આનંદનગર અને મક્તમપુરા જેવા વિસ્તારો કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું છે. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87 ટકા વસ્તીમાં એન્ટીબોડી મળી આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોન એટલે કે પૂર્વ વિસ્તારમાં આવતા મણિનગર, ઘોડાસર, ઈન્દ્રપુરી, કાંકરિયા, વટવા, લાંભા અને બહેરામપુરા વિસ્તારમાં પણ 87 ટકા વસ્તીમાં એન્ટીબોડી છે.શહેરમાં વધુ 38,880 લોકોને સોમવારે રસી મૂકાઈ હતી જેમાં 21,024 પુરૂષ અને 17,856 મહિલાઓનો સમાવેશ થયો હતો. 18થી 44 વયજૂથના 20,271 જ્યારે 45 વર્ષથી મોટી ઉંમરના 16,796 લોકોને રસી મૂકાઈ હતી. સોમવારે પ્રાઈવેટ રસીકરણ કેન્દ્રો ઉપર 1,471 લોકોને રસી મૂકાઈ હતી. 125થી વધુ રસી કેન્દ્રો ઉપર આટલી મોટી સંખ્યામાં લોકોને રસી મૂકવામાં આવે છે તેમ છતાં લાઈનો ઓછી થતી નથી.


આ પણ વાંચો :