સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (18:28 IST)

અમદાવાદમાં પાર્કિંગ માટે ડિમાન્ડ મુજબ ઝોન નક્કી થશે, ઈલેક્ટ્રિક વાહન ખરીદનારને 3 વર્ષ સુધી પાર્કિંગ 'ફ્રી'

અમદાવાદ શહેરમાં ટ્રાફિક તથા આડેધડ પાર્કિંગ મોટી સમસ્યા બની છે. શહેરમાં સતત વધી રહેલા વાહનોની સંખ્યા ચિંતાજનક બન્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોમર્શિયલ માર્કેટ, સર્વિસ સેક્ટરની ઓફિસ, કોર્પોરેટ ઓફિસ તથા રેસિડેન્સિયલ વિસ્તાર હોવાથી સવારને પીક અવર્સના સમયે તથા સાંજે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આવી જ રીતે પૂર્વ અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ છે. આ કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પીક અવર્સ સમયે ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની છે.

રાજ્ય સરકારે તા.16 ઓક્ટોબરના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી દીધી છે. જે મુજબ શહેરમાં ટ્રાફિકના ભારણ મુજબ ત્રણ ઝોનમાં એરિયા લેવલના પાર્કિંગ બનશે. અમદાવાદમાં AMC દ્વારા ટ્રાફિક અને પાર્કિંગનો સર્વે કરીને ડેટા તથા અનુમાનોનું વિશ્લેષણ કરાયું હતું. જે મુજબ શહેરમાં હાઈ ડિમાન્ડ પાર્કિંગ રોડ, મિડીયમ ડિમાન્ડ પાર્કિંગ ઝોન અને લો ડિમાન્ડ પાર્કિંગ ઝોન મુજબ એરિયા લેવલના પાર્કિંગ પ્લાન બનાવાશે. હાઈ ડિમાન્ડ પાર્કિંગ ઝોનમાં આશ્રમ રોડ, સી.જી રોડ, 120 ફૂટ રિંગ રોડ તથા કોટ વિસ્તારના મુખ્ય રોડ વગેરે હશે. મિડીયમ ડિમાન્ડમાં પાર્કિંગ રોડમાં 132 ફૂટ રિંગ રોડ, એસજી હાઈવે વગેરે જેવા રસ્તાનો સમાવેશ કરાશે. જ્યારે લો ડિમાન્ડ પાર્કિંગ રોડમાં એસ.પી રીંગ રોડની આજુબાજુના વિસ્તારો, સોસાયટીઓના ઈન્ટરનલ રોડ વગેરે રહેશે.શહેરમાં પબ્લિક પાર્કિંગની સુવિધાઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવશે 1. ઓન સ્ટ્રીટ પાર્કિંગ અને 2. ઓફ સ્ટ્રીટ પાર્કિંગ. જેમાં ઓન સ્ટ્રીટ પાર્કિંગમાં સમગ્ર શહેરના રસ્તાઓ પૈકી જરૂર જણાય તે મુખ્ય રસ્તાઓ ઉપર પાર્કિંગ માટેના લોકેશન શોધીને 'પે એન્ડ પાર્ક' તરીકે જાહેર કરાશે. આ માટે વધારે પહોળાઈના રસ્તાઓ, ટ્રાફિકની અવરજવર તથા સ્થળની સ્થિતિ જેવા પાસાઓ ધ્યાને લેવાશે. જ્યારે ઓફ સ્ટ્રીટ પાર્કિંગમાં મુખ્યત્વે સરફેસ પાર્કિંગ, મલ્ટીલેવલ પાર્કિંગ, મિકેનિકલ પાર્કિંગ, અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ટેરેસ પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે. વાહન માલિકોને નિયત જગ્યાએ વાહન પાર્ક કરવા માટે માસિક/ત્રિમાસિક/છ માસિક/ વાર્ષિક ધોરણે પાસ અપાશે.શહેરમાં બહારથી આવતા વાહન ચાલકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્ટેશનની નજીક જ પાર્ક એન્ડ રાઈડની સુવિધા ઊભી કરાશે. જેમાં પાર્કિંગ પ્લોટ્સમાં વાહન પાર્ક કરીને વ્યક્તિ જાહેર પરિવહનમાં શહેરની અંદર મુસાફરી કરી શકશે. આવા પાર્ક એન્ડ રાઈડના સ્થળોએ શટલ સર્વિસ, ઈ-બાઈટ, સાયકલ શેરિંગ સિસ્ટમ વગેરે પૂરી પાડવાનું આયોજન કરવામાં આવશે.AMC દ્વારા કરવામાં આવેલા કેટલાક સર્વે મુજબ, 1961માં ગુજરાત રાજ્યની સ્થાપના વખતે અમદાવાદમાં માત્ર 43 હજાર રજીસ્ટર વાહનો હતા. છેલ્લા પાંચ દાયકામાં આ આંકડો 80 ગણો વધીને 35 લાખ થયો છે. પરિણામે અમદાવાદ શહેરમાં વાહનોની અવરજવરના કારણે રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. શહેરમાં વર્ષ 2011-12માં કુલ 19,67,949 વાહનો સરખામણીમાં 2018-19માં કુલ 35,89,897 વાહનો રજીસ્ટર થયા હતા. જેમાં 27.16 લાખ ટુ-વ્હીલર, 1.55 લાખ થ્રી-વ્હીલર, 6.35 લાખ ફોર વ્હીલર છે. જે પ્રતિ વર્ષે 6 ટકા સાથે વધારો દર્શાવે છે. તેમાં પણ ફોર વ્હીલરમાં પ્રતિ વર્ષ 9 ટકાના દરે વધારો થયો.
.