અમદાવાદમાં સીલિંગ કાર્યવાહી સામે રાણિપમાં વેપારીઓએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી
અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા BU વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોથી BU પરમિશન વિના ચાલતી સ્કૂલો, કોમર્શિયલ કોમ્પલેક્સોને સીલ મારી દેતાં લોકો હેરાન થઈ રહ્યાં છે. જેની વચ્ચે આજે રાણીપ વિસ્તારના વેપારીઓએ સિલિંગ કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો હતો.
રાણીપ ગામમાં આવેલા મારુતિ કોમ્પલેક્સના વેપારીઓએ હાથમાં વાટકા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાણીપ વિસ્તારમાં મારુતિ કોમ્પલેક્સમાં આવેલી 150 જેટલી દુકાનો સીલ કરી દેવામા આવતા વેપારીઓના રોજગાર ધંધા બંધ થઈ જતાં ફરી તેઓ બેરોજગાર બન્યાં છે. તેમણે દુકાનોના સીલ ખોલવા માટે અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓએ હાથમાં વાટકા લઈને તેમણે ભીખ માંગીને દુકાનોના સીલ ખોલવાની માંગ કરપી હતી. AMCએ ગત 31મી મેથી સીલિંગ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં અત્યાર સુધીમાં 2200થી વધુ યુનિટ સીલ કરાયાં છે. મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1158 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 568 રૂમો, રેસ્ટોરાંના 82 યુનિટો, 48 સ્કૂલના 593 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2405 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે. દક્ષિણ ઝોનના મક્તમપુરા વોર્ડમાં અલીઝા કોમ્પલેક્સ હાજીબાવાની દરગાહ પાસે જુહાપુરામાં પ્રથમ અને બીજા માળના કોમર્શિયલ 18 યુનિટનું બાંધકામ દુર કરવામાં આવ્યું છે. શહેરમાં DCP ઝોન-7ના અધિકારી પ્રેમસુખ ડેલુએ AMC સાથે રહીને ગત 4 તારીખથી આવી ગેરકાયદે ઉભી કરાયેલી પ્રોપર્ટી સામે કાર્યવાહી કરવાનું શરુ કર્યું હતું. જેમાં 2004થી ભુમાફિયાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોનો કબજો હતો.
પોલીસે શહેરના કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની ગેરકાયદે ચાર દુકાનો તથા એક ઓફિસ તોડી પાડી છે. તે ઉપરાંત વહાબ ગેંગના મુખ્ય સુત્રધાર નઝીર વોરાની ગેરકાયદે 10થી 15 કરોડની પ્રોપર્ટી તોડી પાડી હતી. તેની સાથે કાળુ ગરદન તરીકે ઓળખાતા કુખ્યાતનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે.