બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 24 ઑગસ્ટ 2024 (13:06 IST)

મહેસાણાના વિજાપુરમાં આભ ફાટ્યું,ચાર કલાકમાં આઠ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

rain in gujarat
rain in gujarat
 ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને અમરેલીમાં હવામાન વિભાગે રેલ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે. અમદાવાદમાં બે ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયાં છે. મહેસાણાના વિજાપુર શહેરમાં ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબકતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગાંધીનગરના માણસામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી ભરાઇ ગયા છે.
mehsana rain
mehsana rain
ઠાસરા તાલુકાના પોરડાથી અમૃતપુરાને જોડતો માર્ગ સંપર્ક વિહોણો
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઠાસરા તાલુકાના પોરડાથી અમૃતપુરાને જોડતો માર્ગ સંપર્ક વિહોણો થયો છે. મહેસાણાના વિસનગરમાં વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી હતી. જ્યાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠા જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થવા પામ્યો હતો. પોશીનાં હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 4 થી 6 વાગ્યા સુધી પાંચ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. પ્રાંતિજમાં એક ઈંચ, તલોદમાં બે ઈંચ, વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 
rain gujarat
rain gujarat
રાજ્યમાં સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો 
અરવલ્લી જીલ્લાનાં જળાશયોમાં પાણીની આવક થવા પામી હતી. લાંક ડેમમાં 611 ક્યુસેક, વાત્રક ડેમમાં 440 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. જ્યારે મેશ્વોમાં 340 ક્યુસેક અને માઝુમમાં 220 ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. નવસારી જીલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. ગણદેવી, ચીખલી, ખેરગામ, જલાલપોર, વાંસદા સહિતનાં તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. નવસારીનાં ગ્રામ્ય વિસ્તારમાં એક ઈચ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 153 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાનાં વડગામ તાલુકામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેડાનાં નડીયાદ તાલુકામાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લીનાં મેઘરજ તાલુકામાં 4 ઈચ વરસાદ પડ્યો છે. રાજ્યનાં 63 તાલુકાઓમાં 1 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.