ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરાયા, આગામી સમયમાં એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવશે
રાજ્ય યોગ બોર્ડ દ્વારા અત્યારસુધીમાં 750 યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. આગામી સમયમાં 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને વધુને વધુ લોકોને યોગ વિશે જાગૃત કરવાનો કૃતસંક્લપ છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ યોગ વર્ગ ચલાવીને મોટી સંખ્યામાં યોગસાધકોને યોગ સાથે જોડ્યા છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આવી જ એક ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, યોગ માનવશરીરના મન, બુધ્ધિ અને આત્માને આધ્યાત્મિક રીતે સહજ કરીને પરમાત્મા સાથે જોડે છે.આ આધ્યાત્મિક ધારણાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન મોદીએ 21 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં “વિશ્વ યોગ દિવસ” તરીકે પ્રસ્થાપિત કરી ભારતને વિશ્વ ગૂરૂ બનવા તરફની રાહ ચિંધી છે.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનની યોગ પ્રત્યેની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ”ની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વધુને વધુ યોગ ટ્રેનરો જોડાઇને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજ્યમાં અબાલવૃધ્ધોને યોગસાધનાની પ્રેરણા આપી રહ્યાં છે. આ ટ્રેનીંગ રાજયના નાગરિકોને નિરોગી બનાવવા અસરકારક સાબિત થઇ રહી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,ગુજરાત રાજ્ય યોગને અપનાવીને નાગરિકોને સ્વસ્થ અને નિરોગી બનાવી ઉત્તમથી સર્વોત્તમ ભણી આગળ વધી રહ્યુ છે.રાજ્યનો દરેક નાગરિક સ્વસ્થ રહે અને ઇઝ ઓફ ડુઇંગની સાથે ઇઝ ઓફ લિવીંગ તરફ પણ આગળ વધે તે માટે આવી યોગ શિબિરો ખૂબ જ જરૂરી છે એવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સાબરમતી નદીના તટ પર મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકોને અભિનંદન પાઠવતા કહ્યું કે,આપ બધાએ એકજૂથ બની યોગ દ્વારા રાષ્ટ્રને તંદુરસ્તી સાથે સલામતીનો સંદેશ પાઠવ્યો છે. તેઓએ ઉમેર્યુ કે , કોરાના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા “યોગ કરીશું અને કોરોનાને હરાવીશુ” ના સૂત્રને સ્વીકારીને કોરોના સામેની લડતમાં સફળતા હાંસલ કરી છે. ગુજરાત રાજ્યને યોગ દ્વારા માનસિક રીતે સશક્ત બનાવવાની સાથે તમામ નાગરિકો નિરોગી રહે અને નવભારતના નિર્માણમાં સહભાગી બને તે માટે યોગને અપનાવવું ખૂબ જ જરૂરી છે.