બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (09:14 IST)

મહેસાણાનો અજીબોગરીબ કિસ્સો, 23 વર્ષીય એક સંતાનની માતા 15 વર્ષીય કિશોરને જન્મદિવસે જ ભગાડી ગઈ

મહેસાણા શહેરમાં એક સંતાનની 23 વર્ષિય માતા 15 વર્ષિય કિશોરને ભગાડી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. 6 દિવસ અગાઉ ભાગેલા પ્રેમી પંખીડાને એ ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા હતા.

કિશોરના નિવેદનના આધારે એ ડિવિઝન પોલીસે પરિણીતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને મેડિકલ પરિક્ષણની પ્રક્રિયા હાથ ધરી છે.શહેરના એક વિસ્તારમાંથી 15 વર્ષિય કિશોર તેના જન્મદિવસે ગુમ થયો હતો. 25 જાન્યુઆરીએ ગુમ થયેલો કિશોર મળી નહીં આવતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને નીકળેલો કિશોર યુવતી સાથે ભાગ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

કિશોરના મોબાઈલ પરથી 23 વર્ષિય યુવતીએ તેના પિતાને ફોન કરતાં યુવતી સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી.એ ડિવિઝન પોલીસે પરિવારજનોને ફોન ઉપર વાતચીત ચાલુ રાખવાનું કહીને લોકેશનના પ્રયાસો શરૂ કર્યા હતા. મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું લોકેશન મળ્યું હતું. એ ડિવિઝન પોલીસની એક ટીમે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધા હતા. મહેસાણા લાવીને કિશોરની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.કિશોરને ભગાડી જનાર યુવતી 23 વર્ષની અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કિશોર અને યુવતીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ કરાવીને યુવતી સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસસી, એસટી સેલના ડીવાયએસપીને સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી.એક સંતાનની માતા સાથે ભાગેલા કિશોરનો 25 જાન્યુઆરીએ જન્મ દિવસ હતો. તેથી તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવુ છું તેમ કહીને કિશોર રૂપિયા 10 હજાર રોકડ, સોનાનો દોરો અને 6 જોડી કપડાં લઈને ગુમ થયો હતો. વડોદરામાં સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં એક દુકાન ઉપર એક માસ માટે ગીરવે મૂક્યો હોવાનું કિશોરે પૂછપરછમાં જણાવ્યું હતું.

25 જાન્યુઆરીએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ ઉપરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યા હતા. સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પોલીસે બંનેને પકડી લીધા હતા.