રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (09:56 IST)

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા, 5.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

ઉત્તર-પૂર્વીય દિશાના પવનને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત્ રહ્યું છે.નલિયામાં 5.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે પાંચ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ઠંડીનું જોર યથાવત્ રહેશે. ગત રાત્રિએ 5.2 ડિગ્રી સાથે નલિયામા સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં આજે યલો એલર્ટની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'રાજ્યમાં આજથી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. આ પછી લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી.હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 3.7 ડિગ્રી ગગડીને 25.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી ઘટીને 10.0 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા પવનોની અસરથી શહેરમાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેશે, ત્યારબાદ કોલ્ડવેવનું જોર ઘટતાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. કોલ્ડવેવની અસરોથી ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઠંડા પવનોની અસરને કારણે મહેસાણા અને પાટણ સહિતના વિસ્તારોમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. બનાસકાંઠાના ડિસામાં તાપમાનનો પારો 7.2 ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીથી ધૃજી ઉઠ્યાં હતાં. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં નવ ડિગ્રી ગગડતા માઈનસ ચાર ડિગ્રી અને ગુરૂશિખરમાં માયનસ સાત ડિગ્રી નોધાતાં બરફની પાતળ ચાદર છવાઇ હતી અને માઉન્ટ આબુમાં એકાએક ઠંડી વધી જતાં જનજીવનને અસર થઇ હતી.રાજ્યભરમાં આગામી ચાર દિવસ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેશે અને હવામાન વિભાગ દ્વારા આજે પણ ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 2014 પછી પહેલીવાર એવું બન્યું છે કે સળંગ બે મહિના ઠંડીનું રાજ રહ્યું હોય. અગાઉ 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. તે સમયે પણ નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જેનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તે સમયે પણ અમદાવાદનું 2 મહિનાનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવે 8 વર્ષ પછી એવું બન્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે.