શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (11:05 IST)

અમદાવાદમાં એક વર્ષમાં ડેન્ગ્યુના કેસ પાંચ ગણા વધીને 1962 થઈ ગયા

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન ડેન્ગ્યુના માત્ર 432 કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે ફકત 10 મહિનામાં 1,962 કેસ, એટલે કે ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. બીજી તરફ, શહેરમાં ચિકનગુનિયાના પણ ઘેર ઘેર કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.ના આંકડા મુજબ, શહેરમાં ચાલુ મહિને ફકત 123 ચિકનગુનિયાના કેસ નોંધાયા છે, જ્યારે સિવિલ, સોલા સિવિલ અને મ્યુનિ. સંચાલિત જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એના કેસોની સંખ્યા ઘણી વધારે છે. ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે, એ ચેપી રોગ નથી. ડેન્ગ્યુ વાઈરસ ધરાવતા મચ્છરના કરડવાથી એનો ફેલાવો થતો હોય છે. તાવ આવે, ઠંડી લાગવી, માથાનો દુખાવો, આંખની હલનચલન કરતાં દુખે વગેરે જેવાં ડેન્ગ્યુનાં લક્ષણો છે. પાણીની ટાંકી, બાંધકામની સાઈટ, એરકૂલર વગેરે જેવી જગ્યાઓ પર મચ્છરોનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચાલુ મહિને 43 હજારથી વધુ લોહીના નમૂનાની તપાસ કરી છે.આ ઉપરાંત 2,262 સીરમ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી છે. શહેરમાં પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. છેલ્લા 10 મહિનામાં ઝાડા-ઊલટીના 3,001 કેસ સામે આવ્યા છે તેમજ કોલેરાના 64 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે જુદા જુદા વિસ્તારોમાંથી પાણીનાં 8,209 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયાં હતાં.જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના 86, ઝાડા-ઊલટીના 213, કમળાના 67 અજેટલા કેસો નોંધાયા છે, જ્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર-સાંજ દર્દીઓની લાઈનો જોવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓ વધી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે મલેરિયા વિભાગની 400 જેટલી ટીમ અને હેલ્થ વિભાગની 300 ટીમ શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રીડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. જોકે હવે પાણીજન્ય કેસો શહેરમાં ફરી વધ્યા છે. કમળો અને ટાઈફોઈડના પણ કેસો વધ્યા છે.