મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (16:09 IST)

ગુજરાતમાં દોઢ વર્ષ સુધીના બાળકોને ન્યૂમોનિયા મગજના તાવ સામે ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન વિનામૂલ્યે અપાશે

બાળકને જન્મના 6 અઠવાડીયે પહેલો, 14 અઠવાડીયે બીજો અને 9 મહિના બાદ ત્રીજો-બૂસ્ટર ડોઝ અપાશે
વેક્સિન સરકારી હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર –પેટા કેન્દ્રો-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર અપાશે
રાજ્યમાં વર્ષે 12 લાખ બાળકોને રસીના 36 લાખ ડોઝ વિનામૂલ્યે અપાશે
 
ગુજરાતના બાળકોને ન્યૂમોનિયા અને મગજના તાવ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતી ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી આ વેક્સિન દોઢ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લાના આલ્હાદપૂરાથી કરાવ્યો છે. ખાનગી ક્ષેત્રમાં રૂપિયા 3 હજારથી 4500ની કિંમતે મળતી આ વેક્સિનના 3 ડોઝ મળીને કુલ 36 લાખ PCV ડોઝ રાજ્યના 12 લાખ બાળકોને આપવામાં આવશે. 
 
ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે
બાળકને જન્મના 6 અઠવાડિયે આ વેક્સિનનો પહેલો ડોઝ, 14 અઠવાડિયે બીજો ડોઝ અને 9 મહિના બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ વેકસીન આપવામાં આવશે. ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે. જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું અંદર ખેંચાવું, શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર શ્વાસ, અને ગળામાં સસણી બોલવી આ રોગના મુખ્ય લક્ષણો છે. જો શિશુ આ રોગથી ગંભીર રીતે બિમાર હોય તો, તેને ખાવા-પીવામાં તકલીફ પડે છે, આંચકી આવી શકે અથવા બેભાન થઈ શકે છે, અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
 
વેક્સિનેશન બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતાં મોતને અટકાવે છે.
ન્યુમોકોકલ સંક્રમણના કારણે કે મેનિન્જાઇટિસ, સેપ્ટિસીમિયા, અને ન્યુમોનિયા જેવા ગંભીર રોગ સાથે સાથે સાઈનુસાઈટિસ જેવા મંદ પણ વધારે સામાન્ય રોગો પણ થઇ શકે છે. 
ભારતમાં ન્યુમોકોકલ ન્યુમોનિયાના કારણે 2010માં પાંચ વર્ષથી નાના આશરે 1 લાખ અને 2015માં લગભગ 53 હજાર બાળકો મૃત્યુ પામ્યા હતા. ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિન- PCV 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર ઘટાડવામાં ઉપકારક નિવડશે. PCVનું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગના કારણે થતા રોગો અને મૃત્યુને અટકાવે છે. 
 
બે વર્ષથી નાનાં બાળકોમાં ગંભીર ન્યુમોકોકલ રોગનું જોખમ રહે છે
બે વર્ષથી નાનાં બાળકોમાં ગંભીર ન્યુમોકોકલ રોગનું જોખમ રહે છે પણ એનું સૌથી વધારે જોખમ એક વર્ષથી નાનાં બાળકોમાં હોય છે. PCV રસીકરણ ન કેવળ શિશુની રક્ષા કરશે પરંતુ બાળકમાં ન્યુમોકોકલ રોગના જોખમને પણ ઘટાડશે.બાળકોને પલ્સ પોલીયો રસી આપવાના વ્યાપક અભિયાનને પગલે ગુજરાત 2007માં પોલીયો મુક્ત જાહેર થયું છે.હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેક્સિનેશનના યુનિવર્સલ પ્રોગ્રામથી રાજ્યમાં નવજાત બાળકોને ન્યુમોનિયા અને મગજના તાવથી સંપૂર્ણ રક્ષણ આપવાની નેમ પાર પડશે.