બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (10:21 IST)

રાજકોટમાં લોકડાઉનમાં 40% વિદ્યાર્થીના કમર-ખભાનો ભાગ 1થી 3 ઈંચ અને વજન 5 કિલો સુધી વધ્યું

કોરોના મહામારીને કારણે 18 મહિનાથી સ્કૂલ બંધ હતી અને બાળકો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતા. પરીક્ષા પણ ઓનલાઇન થઇ હતી. શિક્ષણની આ નવી પેટર્નના કારણે લોકડાઉન દરમિયાન બાળકોને કોઈ અન્ય પ્રવૃત્તિ કરવા મળી ન હતી. જેના કારણે ઘરે રહીને બાળકોના શરીરમાં વધારો થયો હતો. જેમાં કેટલાક બાળકોનું વજન 3થી 5 કિલો જેટલું વધ્યું હતું તેમજ કમરનો ભાગ અને ખભાના ભાગમાં 1 થી 3 ઈંચ સુધી વધારો જોવા મળ્યો હતો. જેના કારણે જૂના સ્કૂલ ડ્રેસ બાળકોને ટૂંકા પડી ગયા હતા. હાલમાં કેટલાક વાલીને હજુ પણ ડર છે કે કોરોનાના કારણે શાળામાં ફરી ઓફલાઈન ભણાવવાનું બંધ થશે તો આ વર્ષે લીધેલા સ્કૂલ ડ્રેસ ટૂંકા પડી જશે. તેથી વાલીઓ હજુ પણ સ્કૂલ ડ્રેસ ખરીદતા નથી અને બાળકોને ફ્રી ડ્રેસમાં શાળાએ મોકલી રહ્યા છે. છેલ્લા 2-3 મહિનાથી ધોરણ 6 થી 12 સુધીની શાળાઓ ઓફલાઈન શરૂ થઈ છે. ત્યારે હવે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સ્કૂલ ડ્રેસની જરૂરિયાત પડે છે, પરંતુ છેલ્લા 15 મહિના જેટલા સમયથી બાળક ઘરે રહીને ઓનલાઈન ભણતર લીધું હતું. સાઈક્લિંગ, કસરત જેવી કોઈ અન્ય પ્રવૃત્તિ ન કરી હોવાથી બાળકોના શરીરમાં વધારો થયો હતો. આ જ કારણે વાલીઓને બાળકો માટે નવા સ્કૂલ ડ્રેસ લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી. દુકાનદાર દ્વારા બાળકોના વર્ષ મુજબ તૈયાર કરાયેલ સ્કૂલ ડ્રેસ પહેલા 95 ટકા બાળકોને થતો હતો જે હવે માત્ર 60 ટકાને જ થાય છે. એક િવદ્યાર્થી સાગર ગોહેલે જણાવ્યું હતું કે, પરીક્ષા આપવા ગયો તે સમયે નિરીક્ષક પણ ઓળખી ન શક્યા બાદમાં પરીક્ષા આપવા આવેલા સાથે અભ્યાસ કરતા મિત્રોની મદદથી નિરીક્ષકને પેપર રિસિપ્ટ પ્રમાણે ખાતરી કરાવી અને પરીક્ષા આપી. દુકાનદાર સરજુ કારિયાએ કહ્યું- કોરોના પહેલા સિઝનમાં 1 મહિના જેટલો કામનો બોજ રહેતો જે આ વર્ષે માત્ર 5-7 દિવસનો રહ્યો. પહેલા નવું એડમિશન લેનાર વિદ્યાર્થી 100 ટકા અને જૂના વિદ્યાર્થી 60 થી 65 ટકા લોકો ડ્રેસ ખરીદતા હતા જે આ વર્ષે જરૂરિયાત પ્રમાણે ખરીદી રહ્યા છે. તેમજ બાળકોને દોઢ વર્ષ ઘરે ટ્રાઉઝરમાં રહી ભણતર લીધું હોવાથી હવે સ્કૂલ ડ્રેસમાં કમ્ફર્ટેબલ અનુભવતા નથી. દુકાનદાર મિલન વોરાએ કહ્યું- કોરોના પહેલા નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં હજારો-લાખો રૂપિયાના ઓર્ડર આવતા પરંતુ આ વર્ષે માત્ર 40 ટકા જેટલો ઓર્ડર આવ્યો છે અને એ પણ જે બાળકોને જૂના સ્કૂલ ડ્રેસ ટૂંકા થયા તેમના જ ઓર્ડર આવ્યા. શાળા સંચાલક તૃપ્તિ ગજેરાએ કહ્યું- કેટલાક વાલીની આર્થિક પરિસ્થિતિ તેમજ કેટલાક વાલીને ફરી એકવાર શાળા બંધ થવાનો ડર છે જેથી તેઓ બાળકના યુનિફોર્મ નવા ખરીદતા નથી. તેથી દિવાળી સુધી આવા બાળકોને ફ્રી ડ્રેસમાં આવવાની છૂટ આપવામાં આવી છે.એક વાલીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ઓનલાઈન ઘરે રહીને મારો દીકરો છેલ્લા 1.5 વર્ષથી ભણ્યો આ દરમિયાન અન્ય પ્રવૃત્તિઓ બંધ થઈ જવાથી બાળક આળશુ થઈ ગયું. બાળક કોઈ પણ પ્રકારની કસરત કે સાઈક્લિંગ ન થતાં વજન 5 કિલો જેટલું વધી ગયું હતું.