સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (14:49 IST)

2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યોને પડતા મુકી નવાને ટિકિટ મળી શકે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદથી જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ત્યારબાદ રાજ્યમાં નો રિપીટ થિયરી સાથે નવી સરકારની રચના કરવામાં આવી છે. એટલે કે, નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ નવા અને યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજીતરફ આગામી 2022ની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવી સરકારની જેમ ધારાસભ્યોમાં પણ નો રિપીટની થિયરી લાગુ થઈ શકે છે. એટલે કે, વિજય રૂપાણીની સરકારના ધારાસભ્યોમાંથી 60 ટકાને પડતા મુકી નવાને ટિકિટ આપવામાં આવી શકે છે. ગુજરાત રાજકારણની હાલની સ્થિતિ જોતા એવું જણાય છે કે, નવી સરકાર નવા નિયમ. એટલે કે રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા જૂના નિર્ણયોમાં ધરખમ ફેરફાર કરી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. તાજેતરની જ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓ અને અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવાની જે સૂચના આપી છે. જોકે રૂપાણી સરકાર સમયે આ પ્રકારનો કોઈ નિયમ ન હતો. બીજીતરફ નવા મંત્રીઓ પણ ચાર્જ સંભાળવાની સાથે જ કામે લાગી ગયા છે. અને શિક્ષણ, આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ પર કડક અને સહાય કામગીરી શરૂ કરી દેવાઈ છે.ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પ્રદેશ પ્રમુખ પાટીલને ચૂંટણીના એક વર્ષ પહેલાં સ્પષ્ટતા કરવી પડી છે, પરંતુ ભાજપે એવી સોગઠી મારી છે કે એક તરફ જાહેર કર્યું કે 60 વર્ષની ઉંમરની મર્યાદા વિધાનસભાની ટિકિટ માટે નથી તો બીજી બાજુ એવું પણ ગોઠવાઈ રહ્યું છે કે ત્રણ ટર્મ થઈ સળંગ ચૂંટાઈ રહેલા ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી, એટલે મોટા ભાગના સિનિયર ધારાસભ્યો ઘેર બેસી શકે છે.ગુજરાત ભાજપમાં હવે પાટીલનું જ વર્ચસ્વ ચાલી રહ્યું હોવાની પણ ચર્ચા છે. પાટીલે 150થી વધુ વિધાનસભા બેઠક જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા ગુજરાતમાં પોતાની રીતે નિર્ણય લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિશ્વાસ જીતી લીધો હોવાનું પણ મનાઈ રહ્યું છે, કેમકે હાલમાં ભાજપની પ્રદેશ ટીમની રચનામાં પાટીલની જ પસંદગી ચાલી હતી. એટલું જ નહીં, સંગઠન મહામંત્રીમાં પણ ભીખુભાઈ દલસાણિયાને બદલે રત્નાકરને મૂકવામાં આવ્યા છે.