બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (12:47 IST)

વડોદરામાં નશામાં ઘૂત યુવકે રોંગસાઈડમાં કાર ચલાવી ચાર રાહદારીઓને અડફેટે લીધા

vadodara news
vadodara news
શહેરમાં નશામાં ધૂત યુવકે લોકોના જીવ જોખમમાં મુક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.શહેરના માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે એક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવીને અનેક વાહનોને અડફેટે લીધા હતા. તેમજ 4 રાહદારીઓ ટક્કર વાગતા ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાના પગલે લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં અને આ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.મકરપુરા પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
યુવકને કારમાંથી ઉતારીને લોકોએ માર્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે માણેજા ક્રોસિંગ પાસે ગઈકાલે રાત્રે નશામાં ધૂત વ્યક્તિએ સ્ટીયરિંગ પર કાબૂ ન રહેતાં કાર ડિવાઇડર પર ચડાવી દીધી હતી. બાદમાં કાર રિવર્સ લઇ રોંગ સાઈડમાં જ બેફામ દોડાવી હતી. રોંગ સાઇડમાં કાર લઇને યુવક નીકળતાં આસપાસમાં પસાર થઈ રહેલા વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો હતો. આ યુવકે અનેક ગાડીઓને ટક્કર મારી હતી અને એમાં 4 રાહદારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ યુવકને કારમાંથી ઉતારીને લોકોએ માર્યો હતો. મકરપુરા પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરતાં એક કાળા કલરની હ્યુન્ડાઇ ઓરા કારનો ચાલક રોડ ઉપર બકવાસ કરતો હતો અને નશો કરેલી હાલતમાં હતો.
 
ઈજાગ્રસ્ત થયેલા ચાર લોકોને સારવાર અર્થે ખસેડાયા
પોલીસે તેનું નામ પૂછતાં પોતાનું નામ વૈશ મહંમદ સફીક પઠાણ હોવાનું જણાવ્યું હતું. આ યુવક લથડિયાં ખાતો હતો અને બકવાસ કરી રહ્યો હતો તેમજ તેના મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જોવા મળ્યું હતું. મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ. જે.એન. પરમારે મીડિયાને જણાવ્યું હતું કે આ મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને કાર પણ જપ્ત કરી છે. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.