1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2023 (15:45 IST)

વડોદરામાં આડા સંબંધના વહેમમાં પતિએ ચાકુના ઘા ઝીંકી પત્નીનો ગાલ ચીરી નાખ્યો

Husband slashes wife's cheek with knife in Vadodara
Husband slashes wife's cheek with knife in Vadodara
વડોદરા શહેરમાં પતિએ પત્નીના આડા સંબંધની શંકાએ ચાકૂના જીવલેણ ઘા મારી હત્યાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ હતી. નિદ્રાધીન પત્ની ઉપર હુમલો કરનાર પતિને સ્થાનિક લોકોએ ઘરમાં પૂરી રાખી પોલીસના હવાલે કર્યો હતો. બીજી બાજુ ઇજાગ્રસ્ત પત્નીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

મળેલી માહિતી મુજબ પતિ-પત્ની બંને સાથે રહે છે. પતિને છેલ્લા કેટલાંક સમયથી તેની પત્ની ઉપર શક હતો કે, તે પર પુરુષ સાથે આડા સંબંધમાં છે. જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતાં હતાં. બંને વચ્ચે અવારનવાર મારામારી પણ થતી હતી.જોકે ગત મોડી રાત્રે પુનઃ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. બાદમાં બંને સૂઇ ગયા હતા. જોકે, પતિના માનસ ઉપર પત્નીને સબક શિખવાડવાનુ ભૂત સવાર હતું અને સવારે નિદ્રાધીન પત્નીના ગાલ અને ગળાના ભાગે ચાકૂના ઘા મારતા પત્નીએ બુમરાડ મચાવી મૂકી હતી. બુમો સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલમાં રવાના કરી હતી. તેમજ હુમલાખોર પતિને ઘરમાં પૂરી માંજલપુર પોલીસને બોલાવી હુમલાખોરને તેમના હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હુમલાખોર પતિ પત્નીનું કાસળ કાઢવા માટે ચાકુ તેના સંબંધીના ઘરેથી લાવ્યો હતો. જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે, પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાનું પતિનું પૂર્વ આયોજન હતું. માંજલપુર વિસ્તારમાં બનેલા આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી છે. માંજલપુર પોલીસે આરોપી સામે હાલ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.