બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2023 (16:16 IST)

વડોદરામાં જન્મ દિવસની ઉજવણીમાં દારૂના નશામાં ચકચૂર બનેલા નબીરાઓની ધરપકડ કરી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં જન્મ દિવસ નિમિત્તે માલેતુજાર નબીરાએ 20થી વધુ યુવક -યુવતીઓને બોલાવીને દારૂની મહેફિલ રાખી હતી. પરંતુ આ મહેફિલ રંગ પકડે તે પહેલાં જ પોલીસે રેડ પાડી હતી. પોલીસે 20 જેટલા લોકોની ધરપકડ કરીને દારૂનો જથ્થો અને વાહનો કબજે લીધા હતાં. અકોટોમાં સોસાયટીમાંથી પોલીસે નબીરાઓને ઝડપી લેતા ચકચાર મચી ગઈ હતી.મોડી રાત્રે ઘટનાની જાણ થતાં જ પોતાના સંતાનોને છોડાવવા માટે વાલીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતાં.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સ્થિત ગામઠી બંગલામાં માલેતુજાર નબીરાએ જન્મ દિવસની ઉજવણી કરવા માટે 20થી વધુ યુવક અને યુવતીઓને બોલાવી હતી. આ બંગલામાં તમામ લોકો દારૂની રંગીન મહેફિલ માણી રહ્યાં હતાં. દારૂના નશામાં છાકટા બનેલા લોકોને ઝડપી પાડવા પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાર બાદ દરોડો પાડ્યો હતો. મહેફિલના રંગે રંગાયેલા તમામ લોકોનો પોલીસને જોઈને નશો ઉતરી ગયો હતો. મહેફિલ માણી રહેલા યુવાનો અને યુવતીઓએ છોડી દેવા માટે પોલીસને આજીજી કરી હતી. પરંતુ પોલીસે તેમની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાલુ મહેફિલમાં ફોટા-વીડિયો લેવાનું શરૂ કરતા નબીરાઓએ મોઢા છૂપાવવા લાગ્યા હતાં.

આ બનાવની જાણ થતાં લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. ગોત્રી પોલીસે મોડીરાત્રે દરોડા પાડી બંગલામાંથી દારૂની બોટલો, ઠંડા પીણાની બોટલો, બાયટિંગ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત દારૂની મહેફિલ માણવા માટે વિવિધ વાહનો લઈને આવેલા યુવાનો અને યુવતીઓના વાહનો પણ સ્થળ પરથી કબ્જે કર્યા હતા. આમ પોલીસે સ્થળ પરથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કેટલાંક લોકોએ રાજકીય દબાણ લાવી પોતાના સંતાનોને છોડાવવા માટેના નિષ્ફળ પ્રયાસો કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પરંતુ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વિના કાર્યવાહી કરી હતી.