રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , સોમવાર, 17 જૂન 2024 (17:04 IST)

વડોદરામાં શહેર ભાજપ પ્રમુખે જાહેરમાં કહ્યું, મત નથી મળ્યા ત્યાં વિકાસ કામો ના કરાય

શહેરમાં ગત રવિવારે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં શહેર ભાજપ પ્રમુખે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતાં જણાવ્યું કે, સબકા સાથ સબકા વિકાસ નહીં પણ, જેણે સાથ આપ્યો છે તેનો જ વિકાસ કરવો. જો કે, ડો. વિજય શાહે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપેલી સલાહથી નારાજ ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેર ભાજપ પ્રમુખનો આદેશ માનવો જરૂરી નથી. એ એમની અંગત વિચારધારા હશે. હું તેમના નિવેદનથી બિલકુલ સહમત નથી.
 
મત મળતા જ નથી ત્યાં કામ કરાય જ નહીં
સાંસદ હેમાંગ જોષીના સન્માન સમારંભમાં ઉપસ્થિત કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપતા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી જ ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું છું. દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભાજપને મત મળતા નથી અથવા તો ખૂબ ઓછા મળે છે.ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બેઠા છે તેમણે એવું વિચારવું જોઈએ કે, કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારોમાં કામ કરીને આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લાં પાંચ વર્ષથી, દશ વર્ષથી કે પંદર વર્ષથી પણ મત મળતા નથી. આપણે પણ હવે વિચારવાનો સમય આવ્યો છે.
 
મતદારો સાથેના દ્વેષભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અમારા પ્રમુખ છે. મતદારો સાથેના દ્વેષભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય. મારી વિધાનસભામાંથી મને વધુ વોટ મળ્યા છે. શહેર પ્રમુખના જે વિસ્તારમાંથી ઓછા મત મળ્યા છે તે વિસ્તારમાં ઓછા કામ કરવાના નિવેદનથી હું બિલકુલ સહમત નથી. અમે ધારાસભ્ય બનીએ અને વિધાનસભામાં શપથ લઈએ છીએ ત્યારે નાત-જાતનો ભેદ રાખતા નથી. વિકાસના કામો પર સર્વ જ્ઞાતિનો સમાન અધિકાર છે. વિકાસના કામમાં ભાજપ-કોંગ્રેસ ન હોય. શહેરમાં આજદિન સુધી એક પણ મુસ્લિમ ધારાસભ્ય નથી થયો. મેં તમામ કોમને સાથે રાખી બધા મતદારોની સેવા કરી છે. જે લોકોએ મને વોટ નથી આપ્યા મેં એમના પણ કામો કર્યા છે. લોકોના કામ કરીશું તો જ વોટ વધશે.