રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 મે 2024 (12:21 IST)

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

fire at Joy E-Bike Company
fire at Joy E-Bike Company

આજવા રોડ પર આવેલ જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં મોડીરાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર વિભાગને મળતા તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દોડી ગઈ હતી. ત્રણ શેડ ભડકે બળતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આજવા સિગ્મા કોલેજ રોડ પર જોય ઇ-બાઈક બનાવતી કંપનીમાં આગનો કોલ ફાયર વિભાગને રાત્રે 12 વાગ્યે મળ્યો હતો. ડ્રાય બેટરીમાં ઓવર હિટિંગના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું પ્રાથમિક અનુમાન છે. જોકે, કંપનીમાં આવેલા કમ્પાઉન્ડના 3 શેડમાં પડેલ સ્ક્રેપના મટીરિયલમાં આગ લાગી હોવાનું કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જે જણાવ્યું હતું.આગનો કોલ મળતા પાણીગેટ, દાંડિયાબજાર, ઇઆરસી, જીઆઇડીસી અને છાણી ટીપી-13 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ફાયરના જવાનોએ 5 કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરિયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીમાં ગત ફેબ્રુઆરીમાં મહિનામાં અને તેના માલિકના ઘરે ITના દરોડા પડ્યા હતા.આગના બનાવ અંગે કંપનીના પ્રોડક્શન વિભાગ સાંભળતા આલોકભાઈએ જણાવ્યું હતું કે, આગ રાત્રે 11 વાગ્યા પછી લાગી હતી અને અમે ફાયર વિભાગને જાણ કરી હતી.

આગ કંપની સામે આવેલ સ્ક્રેપ મટીરિયલમાં લાગી હતી. જેમાં કંપનીમાં ઉપયોગમાં ન લેવાતું મટીરિયલ ત્યાં સ્ટોર કરવામાં આવતું હતું. અહીં ત્રણ શેડ બનાવેલા હતા અને ત્યાં અચાનક આગ લાગી હતી. આ તમામ મટીરિયલ બળીને ખાખ થઈ ગયું છે, પરંતુ કોઈ જાનહાની થઈ નથી.