શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 માર્ચ 2017 (12:23 IST)

23 વર્ષની યુવતીએ અમદાવાદમાં દેશનો સૌ પ્રથમ ગે મેરેજ બ્યુરો શરુ કર્યો, ૧૨૦૦થી પણ વધુ ગે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

દેશનો પ્રથમ ગે મેરેજ બ્યૂરો ગુજરાતના અમદાવાદ શહેરમાં ખુલ્લો મુકાયો છે. સમાજમાં રહેતા લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર જેવા લોકો કે જે એલજીબીટી તરીકે ઓળખાઇ છે આવા લોકો માટે અમદાવાદની એક ૨૩ વર્ષીય યુવતીએ કાયદાની મર્યાદામાં રહીને ગે મેરેજ બ્યૂરો શરૂ કર્યો હોવાનો દાવો થઇ રહ્યો છે.

આ બ્યૂરોમાં અત્યાર સુધીમાં ગુજરાત, દિલ્હી, બેંગ્લુરૂ, હૈદરાબાદ, ચંડીગઢ અને કેરળના ૪૨ સહિત વિશ્વભરમાંથી ૧૨૦૦થી વધુ ગે જોડાઇ ચૂક્યા છે. જે પૈકી ૨૪ ગેને આ મેરેજ બ્યૂરો થકી પોતાની પસંદગીના પાર્ટનર શોધવામાં સફળતા સાંપડી છે. જોકે, કાયદાકીય પ્રતિબંધને કારણે તે ગે પાર્ટનર્સ લગ્ન કર્યા વગર જ લિવ રિલેશનમાં સાથે રહે છે. શહેરના મણીનગર વિસ્તારમાં ચાલતા ગે મેરેજ બ્યૂરોની સીઇઓ ઉર્વી શાહે ‘વેબદુનિયા’ને જણાવ્યું હતું કે, ”સમાજમાં રહેતા એલજીબીટી વર્ગ માટે કાયદાની મર્યાદામાં રહીને કંઇક કરવાની મારી ઇચ્છા હતી. આવા લોકોની મદદ માટે કોઇ એનજીઓ ખોલીને લડત આપવામાં સમય વેડફવા કરતા કુંક નક્કર કરવું એવું હું વિચારતી હતી ત્યારે મને આ વિચાર આવ્યો હતો. મેં અનેક ગે, ટ્રાન્સજેન્ડરને રિબાતા જોયા છે એટલે હું કાયદાની મર્યાદામાં રહીને તેમને સમાનતા અપાવવા માગુ છું.

એરેન્જ ગે મેરેજ નામની કંપનીમાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી પણ વધુ ગે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગુજરાત, દિલ્હી, બેંગાલુરુ, હૈદરાબાદ, ચંડીગઢ ઉપરાંત કેરળમાંથી પણ ૪૨ જેટલા ગે સામેલ છે. ગુજરાતમાંથી મોટેભાગે અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત અને આણંદમાં આ કંપની સાથે જોડાયેલા ગે લોકો છે. હાલમાં આ પૈકી ૨૪ ગેને આ કંપની થકી પોતાની પસંદગીના પાર્ટનર સફળતા મળી છે.  આ ગે કપલ્સે કાયદાકીય પ્રતિબંધના કારણે લગ્ન કર્યા નથી. તેઓ લિવ એન્ડ રિલેશનમાં રહીને જિંદગી વિતાવે છે. આ સિવાય કંપનીમાં રજિસ્ટર્ડ ચાર ગે હાલ પોતાના પાર્ટનરને મળવા ભૂતાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને રશિયા ગયા છે. ગે મેરજ બ્યૂરોનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે કંપનીના સીઇઓ ઉર્વી શાહ જણાવે છે કે, : ”આ સંસ્થાના સ્થાપક બેન હર અમેરિકામાં સરોગસી માટે કામ કરે છે. ત્યાં ઘણા ગે-કપલ આવતાં હતા. બસ તેમાંથી જ અરેન્જ ગે મેરેજનો કોન્સેપ્ટ વિચાર્યો. પોતે ગે છે તે બાબતને લઇને સંકોચ અનુભવતા યુવકો માટે અમારી સંસ્થા માબાપની ગરજ સારે છે. ગે મેરેજ બ્યૂરોમાં પણ અવરોધ આવ્યા હતા, જે અંગે ઉર્વી શાહ જણાવે છે કે, : ”સૌથી પહેલો પડકાર તો મારા પરિવારના સભ્યો જ હતા. મારા મમ્મી-પપ્પાને મે જ્યારે એલજીબીટી સમાજ માટે મેરેજ બ્યૂરો ખોલવાની વાત કરી ત્યારે પરિવારજનો મારા વિચાર સાથે સહમત નહોતા થયા. પપ્પાને લાગતું હતું કે, સમાજમાં તેમની જે આબરૂ છે તેને હું આ લોકો સાથે કામ કરીને હાનિ પહોંચાડી રહી છું. બાદમાં માંડ માંડ મારા કોન્સેપ્ટને મંજૂરી મળી હતી.