શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 9 મે 2021 (08:29 IST)

કોરોના સંકટમાં નરેન્દ્ર મોદી સરકારની કામગીરીથી ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન નારાજ

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને શનિવારે એક નિવેદન બહાર પાડી કોરોના સંકટમાં મોદી સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની કામગીરીને વખોડી છે અને રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની હિમાયત કરી છે.
 
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને (આઈએમએ) કોરોના વાઇરસની હાલની સ્થિતિ સાથે પનારો પાડવા માટે યોગ્ય પગલાં ન બદલ કેન્દ્ર સરકારની ટીકા કરી છે.
 
આઈ.એમ.એ.ના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આઈએમએ કોવિડ-19ની વિનાશકારી બીજી લહેરમાં ઊભા થયેલા સંકટ સામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ખૂબ જ સુસ્ત અને અયોગ્ય રીતો જોઈને અમે હેરાન છીએ."
 
એણે કહ્યું કે, "સામૂહિક ચેતના, આઈએમએ અને અન્ય પ્રોફેશનલ સહયોગી દ્વારા કરવામાં આવેલી ભલામણોને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે અને જમીની હકીકતોની સમજ વગર નિર્ણય લેવામાં આવે છે."
 
આઈએમએએ કહ્યું કે, દેશમાં લૉકડાઉન લગાવીને કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાય છે.
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઈએમએ અમુક રાજ્યોમાં 10થી 15 દિવસના લૉકડાઉનને બદલે યોજનાબદ્ધ અને પૂર્વઘોષિત સંપૂર્ણ લૉકડાઉન માટે જોર આપતું રહ્યું છે જેથી સ્વાસ્થ્ય સંબંધિત પાયાનો ઢાંચો સંભાળવાનો સરકારને સમય મળી શકે.
 
આઈએમએના અધ્યક્ષ ડૉક્ટર જેએ જયાલાલે બીબીસી સંવાદદાતા કમલેશ મઠેનીને કહ્યું કે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન કેમ જરૂરી છે અને રાજ્યોનું લૉકડાઉન પરિસ્થિતિ સાથે પનારો પાડવા માટે કેમ અપૂરતું છે.
 
ડૉક્ટર જયાલાલે કહ્યું કે, "લૉકડાઉનથી સંક્રમણની ચેઇન તૂટશે અને તેનાંથી હૉસ્પિટલમાં આવનારા દરદીઓની સંખ્યા ઘટશે. આ દરમિયાન સ્વાસ્થ્ય વ્યવસ્થાનું પાયાનું માળખું મજબૂત કરી શકાશે પરંતુ અલગ અલગ સ્થળોએ નાનાં-નાનાં કર્ફ્યૂથી કોઈ ફાયદો થવાનો નથી."
 
એમણે કહ્યું કે, રાજ્યોમાં લૉકડાઉન છે પણ લોકોની મૂવમેન્ટ હજી ચાલી રહી છે. મોટાં ભાગની સેવાઓ ચાલી રહી છે. કર્ણાટકમાં લૉકડાઉન છે પણ આંધ્રપ્રદેશમાં નથી. લોકો એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં અવર-જવર કરી રહ્યાં છે. લોકો જરૂરિયાતનો સામાન ખરીદવા માટે સીમાપાર જઈ રહ્યાં છે. આનાથી સંક્રમણ ફેલાવા ખતરો છે. જો દેશ આખામાં લૉકડાઉન હશે તો આવું નહીં થાય. તમે ભલે તરત આમ ન કરો, આમ કરવા માટે બે-ત્રણ દિવસનો સમય આપો."
 
ડૉક્ટર જયાલાલનું કહેવું છે કે, "રાજ્યોએ લૉકડાઉન કર્યું છે એ સંજોગોમાં કેન્દ્ર સરકારે સામે ચાલીને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ, એણે આમ સંતાવું ન જોઈએ."
 
આઈએમએફનું કહેવું છે કે એમણે અનેક વાર સરકારને લૉકડાઉનનું સૂચન કર્યું જેને અવગણવામાં આવ્યું.
 
આઈએમએફનું કહેવું છે કે, "આ સૂચનને અવગણવાનું પરિણામ એ છે કે આજે રોજ સંક્રમણના ચાર લાખથી વધારે કેસ સામે આવે અને સામાન્યથી ગંભીર કેસની સંખ્યા 40 ટકા સુધી વધી ગઈ છે. છુટક નાઇટ કર્ફ્યૂથી કંઈ ભલું નથી થવાનું. અર્થવ્યવસ્થા જરૂરી છે પણ જીવન તેનાંથી વધારે કિંમતી છે."
 
ઓક્સિજનની કમીને લઈને પણ આઈએમએફ કેન્દ્ર સરકારની ટીકા કરે છે.
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓક્સિજનનું સંકટ દરરોજ ઘેરું બની રહ્યું છે અને તેનાં કારણે લોકો દમ તોડી રહ્યાં છે. આનાથી દરદીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ બેઉ વચ્ચે ડરનું વાતાવરણ ઊભું થયું છે.