વેકેશનમાં બહાર જતા હો તો દાહોદ પોલીસને જાણ કરતા જજો

police gujarat
Last Modified બુધવાર, 11 નવેમ્બર 2020 (11:50 IST)
આગામી દિવાળીના પર્વની ઉજવણી સલામત અને સુરક્ષિત રીતે કરવાની અપીલ કરતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે નાગરિકોને માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી ખરીદીના સમયે ભીડ ના કરવા જણાવ્યું છે.

ડીએસપી જોયસરે કહ્યું કે, દાહોદમાં સ્ટેશન રોડ સહિતની કેટલીક બજારોમાં દિવાળી સમયમાં ગ્રાહકોની ભીડ રહે છે. હવે વર્ષે સ્થિતિ જુદી છે. ભીડના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ભીડના કારણે પ્રસરવાની શક્યતા વધુ રહે છે. ખરીદીના સમયે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું સૌના માટે હિતાવહ છે. વળી, બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ભૂલાય નહી. ઘરે આવ્યા બાદ હાથને સેનિટાઇઝ કરવા જોઇએ.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દિવાળીના પર્વને અનુલક્ષીને સુરક્ષાના કદમ લેવામાં આવી રહ્યા છે. મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. બહાર વેકેશન કરવા પર જવાના સંજોગોમાં નાગરિકો પોતાના ઘરની વિગતો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરે, તેની માલમિલ્કતની સલામતીને લગતી વ્યવસ્થા ગોઠવી શકાય.

દાહોદમાં દિવાળીના પર્વમાં જાહેર સ્થળો ઉપર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એથી નાગરિકો નિયત કરવામાં આવેલા સમયગાળા દરમિયાન જ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરે એવો અનુરોધ છે. ફટાકડા ફોડતી વેળાએ નાના બાળકોની ખાસ તકેદારી લેવી જોઇએ. જેથી અકસ્માતના બનાવો નિવારી શકાય.
એસપીએ કહ્યું કે, દાહોદના વેપારીઓ પણ તકેદારી રાખે એ જરૂરી છે. વેપારીઓ પોતાની દુકાને ગ્રાહકોની ભીડ ના થાય એ બાબતનો ખાસ ખ્યાલ રાખે. સેનિટાઇઝેશની વ્યવસ્થા રાખે. તેમણે આગામી દિવસોમાં માસ્ક ન પહેરવા બદલ કાર્યવાહી વધારવાની પણ જાણકારી આપી છે.


આ પણ વાંચો :