શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (17:39 IST)

ગુજરાતમાં IPS ઓફિસરોની 208માંથી 195 જગ્યાઓ ભરાઈ, હજી 13 અધિકારીઓની ઘટ

તાજેતરમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું હતું. સરકારે રજૂ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં IPS અધિકારીઓની પણ ઘટ હોવાનું સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે. ગૃહમાં કોંગ્રેસે સરકારને સવાલ કર્યો હતો જેનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. 
 
રાજ્યમાં 13 IPS અધિકારીઓની ઘટ છે
કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારને સવાલ કર્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ ગુજરાતમાં IPS અધિકારીઓની કુલ કેટલી જગ્યાઓ મંજૂર થયેલ છે,તે અ‌ન્વયે કેટલી જગ્યાઓ ભરાયેલ છે અને કેટલી જગ્યાઓ ખાલી છે.મંજૂર થયેલ જગ્યાઓ પૈકી રાજ્યના કેટલા IPS અધિકારીઓ કે‌ન્દ્રમાં ડેપ્યુટેશન પર છે? સરકારે આ સવાલનો લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં IPS અધિકારીઓની કુલ 208 જગ્યાઓ મંજૂર થયેલ છે. જેમાં 195 જગ્યાઓ ભરાઈ ગઈ છે અને માત્ર રાજ્યમાં 13 IPS અધિકારીઓની ઘટ છે. હાલમાં ગુજરાતમાંથી 24 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા છે. 
 
પોલીસ ભરતી અંગે રાજ્ય સરકારે સોગંદનામું કર્યું હતું
IPS અધિકારીઓની ઘટ પુરાશે ત્યાં સુધીમાં પોલીસ વિભાગમાં આગામી ભરતી અંતર્ગત બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ પોલીસ 687 (પુરુષ), જેલ કોન્સ્ટેબલ 57 (મહિલા)ની ભરતી કરવામાં આવશે. સ્થાયી સમિતિએ 2022માં બિનહથિયાર PSIની 325 જગ્યાઓને મંજૂરી આપી હતી. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 325 પોસ્ટમાંથી 273 નોન-આર્મ્ડ PSI ની ભરતી કરશે. હાઈકોર્ટમાં સરકારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવાયું હતું કે, ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજાર જગ્યાઓ ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યાઓ ખાલી છે. પોલીસ વિભાગમાં વિવિધ પદો પર 23416 જગ્યાઓ ખાલી છે.